સટ્ટા કિંગ દિપક ઠક્કરની પ્રોપર્ટીની તપાસમાં ડીસા અને બનાસકાંઠાના મોટા માથાં ભેરવાશે
પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024,ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ સટ્ટાકાંડના માસ્ટર માઈન્ડ દીપક ઠક્કર ઉર્ફે ડીલક્ષને પોલીસ દુબઈથી ગુજરાત લઈ આવી ત્યાર પછી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં તપાસ આગળ વધતા દીપક ઠક્કરે 100 કરોડની મિલકતો વસાવી હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે.મૂળ બનાસકાંઠા જીલ્લાના ભાભરનો વતની દીપક ભાભર છોડીને થોડા સમયે માટે ડીસા પણ રહ્યો હતો, દરમિયાન ડીસામાં રહીને કેટલીક મિલકતો વસાવી હતી. ત્યારબાદ અમદાવાદ જતો રહ્યો હતો. જો કે આ સમયે ગાળા દરમિયાન ડીસા, પાલનપુર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ બંગલા અને જમીનો સહિતની મિલકતો વસાવી હતી.
ડીસા અને બનાસકાંઠાના અનેક લોકોમાં અત્યારે ફફડાટ
સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપાયેલી તપાસમાં હવે દિપક ઠક્કરએ જે મિલકતો વસાવી છે. જેમાં તપાસ નો રેલો ડીસા ખાતે પણ આવી શકે છે. જેમાં દીપક ઠક્કર સાથે ધંધાર્થે જોડાયેલા અનેક લોકો સામે પણ તપાસ થઈ શકે છે. તેમાં કેટલાક મોટા માથાઓ પણ ભેરવાઈ જાય તો નવાઈ નહીં. જેને લઈને ડીસા અને ભાભરમાંથી કેટલાક લોકો ભૂગર્ભ માં જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ડીસા માં અન્ય મિલકતો છે કે કેમ ? તે અંગે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી શકે તેવી સંભાવના વ્યક્ત કરી રહી છે. જેને લઈને અનેક લોકોમાં અત્યારે ફફડાટ પ્રસરી ગયો છે.
બેંકોમાં જમા થતાં એને હવાલા મારફત દુબઈ પહોંચાડતા
ધોરણ 8 સુધી ભણેલા દીપક ઠક્કરે જ એક સર્વર અને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી લગભગ 2 લાખ લોકો સુધી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ફેલાવ્યું હતું. કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઓપરેટ થતું હતું, પરંતુ સટ્ટાબાજીમાંથી આંધળી આવક થતાં કોરોનાકાળ અગાઉ જ દીપક ઠક્કર દુબઈ જતો રહ્યો હતો. એ દુબઈથી જ નેટવર્કના માસ્ટરમાઇન્ડથી ભૂમિકામાં રહેતો. તેણે ગોઠવેલા લોકો ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી સટ્ટાબાજીથી જે રૂપિયા બેંકોમાં જમા થતાં એને હવાલા મારફત દુબઈ પહોંચાડતા હતા.
મોટાભાગની સંપત્તિ વતન બનાસકાંઠામાં ખરીદી
સુત્રોના જણાવ્યા પ્રમાણે દિપક ઠક્કરે ડીસા પાટણ રોડ પર સીએનજી પંપ, ડીસામાં 1200 ફૂટના ત્રણ પ્લોટ, ડીસા રાજ કમલ પાર્કમાં 1375 ફૂટ જગ્યામાં પતિ-પત્નીના નામે બંગલો, ડીસા પાલનપુર હાઈવે પર 4950 ફૂટનો પ્લોટ, ભાભર એપીએસમાં એક દુકાન, ડીસા એપીએમસીમાં એક દુકાન, ભાભરમાં ખેતીની 11 વિઘા જમીન, ડીસામાં ખેતીની 11 વિઘા જમીન, પકવાન ચાર રસ્તા પાસે 2 દુકાન, આનંદનગરમાં 2 ઓફિસ, સાયન્સ સિટી વિસ્તારમાં 3600 વારનો પ્લોટ, ભૂયંગદેવની કાલુપુર બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં લોકર ધરાવે છે, બે કાર, દુબઈમાં એક કાર પણ છે.
આ પણ વાંચોઃસુરતમાં બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાનું રેકેટ ઝડપાયુ