બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો 11.25 લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક
પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024, સદસ્યતા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં “સદસ્યતા અભિયાનનો જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ સભ્ય તરીકે ડો. રેખાબેન હિતેષભાઇ ચૌધરીને પ્રાથમિક સભ્ય બનાવીને જિલ્લામાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાન્ત મંડોરાના જણાવ્યા મુજબ આ અભિયાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિના સુધી ચલાવવામાં આવશે.
જિલ્લામાં કુલ સવા અગિયાર લાખ લોકોને જોડવાનો લક્ષ્યાંક
જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અભિયાન 15 સપ્ટેમ્બર સુધી સૌ આગેવાન સાંસદ, ધારાસભ્યો, મંડળના જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ પોત પોતાના બુથની અંદર આ સદસ્યતા અભિયાનનું કામ કરી અનેક લોકોને જોડશે. સમગ્ર જિલ્લાની અંદર 2558 જેટલા બુથ છે તે તમામની અંદર તમામ ધર્મ, જાતિ જ્ઞાતિ અને તમામ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા વાળો વર્ગ, મોદીજી ને માનવા વાળો વર્ગ છે. આ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ અમારા આગેવાનો કરશે. જિલ્લાની તમામ વિધાન સભામાં સવા લાખ સદસ્યોને જોડવાનો લક્ષાંક છે જયારે જિલ્લામાં કુલ સવા અગિયાર લાખ લોકોને જોડવાનો લક્ષ્યાંક છે.
લોકો ગૌરવ અનુભવે છે અને સોશિયલ મીડિયામાં શેર કરે છે
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, આગામી 17 તારીખે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને 25મી તારીખે પંડિત દિન દયાલજીની જન્મ જયંતી હોવાથી આ દિવસોમાં અમે સદસ્યતા અભિયાન અંગે વિશેષ અભિયાન કરી લક્ષ્યાંક પૂર્ણ કરી ભાજપને મજબૂત બનાવવાનો સોનેરી અવસર છે. સદસ્યતા અભિયાનમાં જોડાવવા 8800002024 નંબર પર મિસ કોલ કરવાથી લિંક મેળવી જે વિગત ભરશો તેમાં તમે પ્રાથમિક સભ્ય બની શકશો. જે વ્યક્તિ સો પ્રાથમિક સભ્ય બનાવશે તે જ વ્યક્તિ સો રૂપિયા ભરી નમો એપમાં ડોનેટ કરી સક્રિય સભ્ય બની શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના સભ્ય બનીને સૌ લોકો ગૌરવ અનુભવે છે અને સોશિયલ મીડિયામાં શેર કરે છે.
તાલુકા અને મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમારની ખાસ ઉપસ્થિતિ સાથે જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ, શ્રેયાંસભાઈ પ્રજાપતિ, અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ પ્રવિણસિંહ રાણા, અમૃતભાઈ દેસાઈ, પૂર્વ સંસદ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા, તાલુકા અને મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા “સદસ્યતા અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરી પત્રકારો સમક્ષ અભિયાનની વિસ્તૃત માહિતી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આપી હતી. સાથે પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ડો.રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસા પાલિકાના વિવાદ બાબતે ભાજપે સભ્યોની રજૂઆત સાંભળી