દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)એ હોમ લોનના વ્યાજ દરોમાં વધારો કરી ગ્રાહકોને આંચકો આપ્યો છે. HDFCએ શનિવારે તેના રિટેલ પ્રાઇઝ લેન્ડિંગ રેટ (RPLR)માં વધારો કર્યો છે. RPLR બેંચમાર્ક લેન્ડિંગ રેટ હોય છે. તમે તેને લઘુત્તમ વ્યાજ દર પણ કહી શકો છો. HDFC એ તેમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.
નવો વ્યાજ દર 1 ઓગસ્ટથી લાગુ થશે. આની અસર નવા અને હાલના ગ્રાહકો પર પડશે. બન્ને માટે લોનના ઇએમઆઇમાં વધારો થશે અને તેમના મંથલી બજેટ પર પણ અસર પડશે. HDFCએ સ્ટોક એક્સચેન્જને શનિવારે વ્યાજ દરોમાં વધારાની જાણકારી આપી હતી. HDFCએ કહ્યું કે, HDFCએ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ વધાર્યો છે. આ એ જ દર છે જેના પર એડઝસ્ટેબલ રેટ હોમ લોન (એઆરએચએલ) બેંચમાર્ક હોય છે. તેમાં 0.25 ટકાનો વધારો કરાયો છે. નવા દરો 1 ઓગસ્ટ, 2022થી લાગુ થઇ જશે.
3 મહિનામાં 5 વખત મોંઘી થઇ HDFCની હોમલોન
હાલના વધારા અગાઉ HDFCએ 9 જૂને આરપીએલઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. તે પહેલા 1 જૂને 0.5 ટકા, 2જી મેના રોજ 0.5 ટકા અને 9 મેના રોજ 0.30 ટકાનો વધારો કર્યો હતો. HDFCદ્વારા રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કરાયેલા વધારાને લીધે ગ્રાહકો માટે હોમ લોન વધુ મોંઘી બનશે અને ઇએમઆઇ પાછળ વધુ રકમ ખર્ચ કરવી પડશે.
RBI વધારી શકે છે વ્યાજ દરો
HDFCએ ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક પહેલા વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આરબીઆઇની આ એમપીસી બેઠકમાં મોંઘવારીને રોકવા માટે રેપો રેટમાં વધારાનું અનુમાન છે. આ બેઠક આગામી સપ્તાહે મળનારી છે. અહેવાલો અનુસાર, આગામી બેઠકમાં રેપો રેટમાં 0.35થી 0.50 ટાક સુધીનો વધારો કરવામાં આવી શકે છે.