ગુજરાત: તરણેતરમાં તા.6થી શરૂ થનારા મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
- આવતીકાલ તા.6થી ભાતીગળ તરણેતરીયા મેળાનો પ્રારંભ
- વાહનોને 20 કીમી પ્રતી કલાકની ઝડપે ચલાવવા જાહેર કરાયુ
- તા.6 થી 9 સપ્ટેમ્બર દરમીયાન વિશ્વ વિખ્યાત લોકમેળાનું આયોજન
ગુજરાતના પ્રખ્યાત તરણેતરમાં તા.6થી શરૂ થનારા મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. મેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થીત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે. મેળાના સ્થળે જવાના માર્ગો, પાર્કિંગ, સ્પીડ લિમિટ જાહેર કરાઈ, તરણેતર મેળાના માર્ગો પર વરસાદથી પડેલા ખાડા પુરાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા
આવતીકાલ તા.6થી ભાતીગળ તરણેતરીયા મેળાનો પ્રારંભ
થાનના તરણેતર ગામ ખાતે આવતીકાલ તા.6થી ભાતીગળ તરણેતરીયા મેળાનો પ્રારંભ થનાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને ટ્રાફીકને ધ્યાને લઈ રસ્તા પર પ્રવેશબંધી, એક માર્ગીય રસ્તા, ખાનગી પાર્કીંગ, સ્પીડ લીમીટ સહિતનાઓને આવરી લેતુ જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે.
તા.6 થી 9 સપ્ટેમ્બર દરમીયાન વિશ્વ વિખ્યાત લોકમેળાનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે આવતીકાલ તા.6 થી 9 સપ્ટેમ્બર દરમીયાન વિશ્વ વિખ્યાત લોકમેળાનું આયોજન થનાર છે. આ લોકમેળાને માણવા સમગ્ર રાજય અને દેશવિદેશમાંથી માણીગરો આવે છે. ત્યારે મેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે. મેળા દરમીયાન કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે. આથી તરણેતર મંદીરમાં પ્રવેશ માટે દક્ષિણ તરફનો દ્વાર પુરૂષો માટે દ્વાર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત થાનની ખાખરાળી ચોકડીથી રેલવે તરફ તથા સેતુ ગેસ એજન્સી તથા જકાતનાકાથી નગરપાલીકા તરફ ભારે વાહનોને પ્રવેશબંધી કરાઈ છે. જયારે થાન નેશનલ કાંટાથી સુર્યાચોક થઈ તરણેતર જતો રોડ અને તરણેતરથી નવાગામ, સારસાણા, થાન અને વાંકાનેર તરફ જતો રસ્તો એકમાર્ગીય જાહેર કરાયો છે.
વાહનોને 20 કીમી પ્રતી કલાકની ઝડપે ચલાવવા જાહેર કરાયુ
બીજી તરફ ચોટીલા, થાન, મુળી, ધ્રાંગધ્રા અને સરા તરફથી આવતા અને જતા વાહનોને 20 કીમી પ્રતી કલાકની ઝડપે ચલાવવા જાહેર કરાયુ છે. તરણેતર મેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી વાહનો આવી શકશે પરંતુ ગેટથી મેળામાં વાહન લઈ જવાની પરમીશન નથી. જયારે પોલીસના સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ આઉટ પોસ્ટની બાજુમાં, તમામ સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ કેમ્પની સામેના ઢાળ ઉપર માર્ગ અને મકાન વિભાગની ઓફીસ પાસે કરાયુ છે. હથિયારબંધીનું જાહેરનામુ અમલમાં હોઈ મેળામાં તલવાર બાજી કે લાકડી દાવ જેવી સ્પર્ધાઓ પર પ્રતીબંધ છે. મેળામાં ખાનગી પાર્કીંગ પ્લોટ પણ રહે છે. ત્યારે તેમને નીયત ભાડુ વસુલવા, પાકી પહોંચ બુક રાખવા, પાર્કીંગનું બોર્ડ બનાવવા આદેશ કરાયા છે. બીજી તરફ તરણેતર મેળા તરફ જવાના થાન શહેરમાંથી પસાર થતા હાઈસ્કુલથી નેશનલ કાંટા સુધીના રસ્તે મોરમ નાખી ખાડા તંત્ર દ્વારા પુરવામાં આવ્યા હતા.