ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે કે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત એક થી બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે.
ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રૂમડીયા ગામ નજીક દુધવાલ નદીમાં પાણીની આવક વધી છે.દુધવાલ નદીની સામે કિનારે શાળાના બાળકો ફસાયા હતા. બાળકોને ખભા ઉપર બેસાડી નદી પાર કરાવતા વીડિયો સામે આવ્યો હતો.વાલીઓ જીવના જોખમે બાળકોને લઇ જવા મજબૂર થયા હતા, ત્યારે હાલ તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ
સતત બીજા દિવસે ભારે વરસાદના પગલે બડોલીની ઘઉંવાવ નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. ઈડરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.