ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: કાંકરેજના ખેડૂતે હળદર પાકમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતીની પહેલ કરી

Text To Speech

પાલનપુર, 04 સપ્ટેમ્બર 2024, કાંકરેજ તાલુકાના રાંનેર ગામના સત્તરસિંહ જાદવે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ હળદર પાકમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગાત્મક અભિગમ આ વર્ષે અપનાવી નવી પહેલ કરી છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રયોગમાં હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન મળ્યું છે. જેથી સત્તરસિંહ જાદવને પણ હળદર પાકમાં બમણું ઉત્પાદન મળવાની આશા છે.

વેચાણ કરવાથી તેમની આવકમાં વૃદ્ધિ થશે
તેમને હળદર પાકમાં મૂલ્યવર્ધન દ્વારા કઈ રીતે બમણી આવક મેળવી શકાય એ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જેથી હળદરનો પાવડર બનાવી તેનું વેચાણ કરવાથી તેમની આવકમાં વૃદ્ધિ થશે. સજીવ અને પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સહ સંશોધન નિયામક ડૉ .સી.કે પટેલ અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સત્તરસિંહ જાદવે હાલમાં એક વીઘામાં હળદરનું વાવેતર કર્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતો જીવામૃત, બિજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપ્સાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા પણ તારણ કાઢવામાં આવ્યું
તેમના હળદર પાકનો ગ્રોથ રાસાયણિક ખેતીની સાપેક્ષમાં વધુ હોવાનું કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા પણ તારણ કાઢવામાં આવ્યું છે.સત્તરસિંહ જાદવના આ પ્રયોગને સફળતા મળતાં અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે તેમના ખેતરની મુલાકાત કરાવવામાં આવે છે. અને પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજાવવામાં આવે છે.સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને સત્તરસિંહ જાદવ જેવા ખેડૂતોની મહેનત અને પરિણામ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેનો દિશા સૂચક માર્ગ બની રહેશે.

આ પણ વાંચોઃદાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધનઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હળદરનું વાવેતર

Back to top button