ખૂબ પ્રેમાળ હતા એ શિક્ષકો, પરંતુ અફસોસ કે સંપર્કો છૂટી ગયા
- કેટલાય શિક્ષકો એવા હોય છે જેઓ શિક્ષણને સમર્પિત હોય છે, શિક્ષણ તેમના માટે પૈસા કમાવવાનું માધ્યમ નહિ, પરંતુ પેશન હોય છે
[ભૂમિકા શુક્લ] HD ન્યુઝ ડેસ્કઃ 5 સપ્ટેમ્બરનો દિવસ શિક્ષકોને સન્માન આપવાના આશયથી શિક્ષક દિન તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેઓ શિક્ષણને સમર્પિત હતા, શિક્ષણ તેમનું પેશન હતું અને તેમના જ માનમાં આ દિવસની શરૂઆત થઈ હતી.
ગુરૂ હંમેશા પૂજનીય હોય છે
गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय।
बलिहारी गुरू आपने, गोविन्द दियो बताय।।
સંત કબીરની આ ઉક્તિ તો આપણે બધાએ સાંભળી જ હશે, પરંતુ કેટલાક શિક્ષકો, ગુરુઓએ તો તેને ચરિતાર્થ પણ કરી છે. વિદ્યાનું દાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવે છે. ગુરૂ હંમેશા પૂજનીય હોય છે. આવા જ પૂજનીય ગુરુઓ દરેક વ્યક્તિને તેમની જિંદગી દરમિયાન ક્યારેક તો મળ્યા જ હશે. આપણા ભૂતકાળના શિક્ષકોને આજના દિવસે યાદ કરી લઈએ.
કેવા પ્રેમાળ હતા એ શિક્ષકો, શિક્ષણ જેના માટે પેશન હતું
જ્યારે ટીચર્સ ડે આવે ત્યારે આપણા ભૂતકાળના શિક્ષકોને યાદ કરવાનો મોકો આપણે ચૂકતા નથી. પ્રાથમિક અને માધ્યમિક શાળા, શાળાનું નામ ઉન્નતિ કુમાર મંદિર, ખાડિયા વિસ્તાર. અમારી શાળાના એ બે શિક્ષકો ક્રિષ્નાબેન શાહ અને ધુળાભાઈ બલવંતભાઈ ડાભી, તેમને ભૂલી શકાય તેમ નથી. આ શિક્ષકો સાચા અર્થમાં અમારા ગુરૂ હતા. અભ્યાસની સાથે સાથે તેમણે બહારની દુનિયાનું પણ જ્ઞાન આપ્યું. વિદ્યાર્થીઓ તેમના માટે તેમના સંતાનો જેવા હતા. તેઓ હંમેશા કહેતા મારા બાળકો.
ધુળાભાઈ બલવંતભાઈ ડાભી એક ખેડૂત પુત્ર હતા. અમદાવાદની નજીકના ગામથી પ્રાઈવેટ શાળામાં નોકરી કરવા આવતા અને એ પણ ફક્ત તેમના શિક્ષણ માટેના લગાવના કારણે. બાકી પગાર તો એ સમયે ઓછો મળતો અને આવવા જવામાં ખાસ્સો ખર્ચ થઈ જતો. એ સમયના શિક્ષકોમાં સાદગી હતી, જેના કારણે તેમણે બાળકોમાં પણ એ પાયો નાંખ્યો કે સાદું પણ ઉચ્ચ જીવન જીવો. ઈતિહાસની તારીખો ધૂળાભાઈને મોંઢે રહેતી હતી. તેઓ સમાજવિદ્યા ભણાવતા હતા. ક્રિષ્નાબેનનું ગણિત અદ્ભૂત હતું. મોંઢે ગણતરીઓ કરી લેતા અને એમનું સમજાવેલું આજે પણ જિંદગીમાં કામ લાગી રહ્યું છે.
એક વાતનો અફસોસ રહ્યો!
પહેલાના સમયમાં સોશિયલ મીડિયા ન હતું, મોબાઈલ ફોન ન હતા. ઘરમાં પણ ફોન ભાગ્યે જ રહેતા અને એ કારણે શિક્ષકોના સંપર્કમાં ન રહી શકાયું. ઘર બદલાયાં, વિસ્તારો બદલાયા, જિંદગી વ્યસ્ત બનતી ચાલી અને સંપર્કો છૂટતા ગયા. કાશ આજ જેવી હાથમાં મોબાઈલ રાખવાની સાહ્યબી એ સમયે હોત તો આજે શિક્ષકને અહીં યાદ કરવાના બદલે તેમને એક મેસેજ કરી દીધો હોત કે ફોન પર વાત કરી લીધી હોત. હવે તો તેમને માત્ર યાદોમાં જ યાદ કરવાના રહ્યા, પરંતુ આ શિક્ષકો જીવીશું ત્યાં સુધી યાદ રહેશે.
આ પણ વાંચોઃ દરેક સ્કૂલમાં હોય આવા શિક્ષક, નાગાલેન્ડના મંત્રીએ શેર કર્યો VIDEO