કંગના રનૌતના હાથમાંથી સરકી 6 સપ્ટેમ્બર, હવે “ઈમરજન્સી” અંગે 19 સપ્ટેમ્બરે થશે નિર્ણય
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો, ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી
મુંબઈ, 04 સપ્ટેમ્બર: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. 6 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર પડેલી ‘ઇમરજન્સી’ સેન્સર બોર્ડની મુશ્કેલીમાં ફસાયેલી છે અને તેને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. હવે નક્કી કરવામાં આવ્યું છે કે, તેને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રિલીઝ કરવામાં આવશે નહીં. ‘ઇમરજન્સી’ માટે સેન્સર સર્ટિફિકેટ ન મળવાને કારણે નિર્માતાઓએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને 18 સપ્ટેમ્બર સુધીમાં ‘ઇમરજન્સી’ સર્ટિફિકેટ પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. આ પછી કોર્ટ આ અરજી પર 19 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
High court has blasted censor for illegally withholding the cirtificate of #emergency https://t.co/KedtrQlvrU
— Kangana Ranaut (@KanganaTeam) September 4, 2024
સર્ટિફિકેટને અટકાવવામાં આવ્યું: નિર્માતાઓ
‘ઇમરજન્સી’ના નિર્માતા ઝી સ્ટુડિયોએ મંગળવારે ફિલ્મ સર્ટિફિકેટ ન મળવાને લઈને બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતા. નિર્માતાઓએ કોર્ટને CBFCને ફિલ્મનું સેન્સર પ્રમાણપત્ર જારી કરવા નિર્દેશ આપવા કહ્યું, જેથી ફિલ્મ નિર્ધારિત રિલીઝ તારીખ – 6ઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થઈ શકે. નિર્માતાઓએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, CBFCએ ‘ગેરકાયદેસર અને મનસ્વી રીતે’ સર્ટિફિકેટને રોકી રાખ્યું છે.
નિર્માતાઓએ કોર્ટને જણાવ્યું કે, 8 ઓગસ્ટે CBFCએ ‘ઇમરજન્સી’ના નિર્માતા (ઝી સ્ટુડિયો) અને સહ-નિર્માતા (મણિકર્ણિકા ફિલ્મ્સ)ને ફિલ્મમાં ફેરફાર કરવા કહ્યું. આ ફેરફારો બાદ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનું હતું. 14 ઓગસ્ટના રોજ, નિર્માતાઓએ CBFC તરફથી મળેલી સૂચનાઓ અનુસાર, કટ અને ફેરફારો સાથે ફિલ્મ સબમિટ કરી. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, 29 ઓગસ્ટના રોજ, નિર્માતાઓને CBFC તરફથી એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, ફિલ્મની સીડી સીલ(ફાઇનલ) કરવામાં આવી છે અને નિર્માતાઓને સેન્સર સર્ટિફિકેટ એકત્રિત કરવા રિક્વેસ્ટ કરવામાં આવી. આ પછી નિર્માતાઓને બીજો ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે સર્ટિફિકેટ સફળતાપૂર્વક જારી કરવામાં આવ્યું છે અને ઈમેલમાં સર્ટિફિકેટ નંબર પણ છે. જોકે, જ્યારે નિર્માતાઓ વાસ્તવિક સર્ટિફિકેટ લેવા આવ્યા ત્યારે તેમને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. નિર્માતાઓએ કોર્ટને કહ્યું કે, તેઓ માને છે કે આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે શીખ સમુદાયના કેટલાક સંગઠનોને ‘ઇમરજન્સી’નું ટ્રેલર વાંધાજનક લાગ્યું અને તેઓ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા હતા.
2 સપ્ટેમ્બર, 2024ના રોજ, ‘ઇમરજન્સી’ના નિર્માતાઓએ સર્ટિફિકેટ મુદ્દે CBFCને કાનૂની નોટિસ મોકલી, જેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં. તેથી હવે આ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ઝી સ્ટુડિયો તરફથી હાજર રહેલા એડવોકેટ વેંકટેશ ધોંડે કોર્ટમાં કહ્યું હતું કે, સીબીએફસી પાસે પહેલાથી જ જારી કરાયેલા સર્ટિફિકેટને રોકવાનું કોઈ કારણ નથી. જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો તેના માટે કાયદામાં જોગવાઈ છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ એક કેસ
CBFC તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું કે, જબલપુરના શીખ સમુદાયે 3 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ‘ઇમરજન્સી’ની રિલીઝનો વિરોધ કરીને અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે અરજદારોને 3 દિવસમાં CBFC સમક્ષ તેમના વાંધાઓની રજૂઆત કરવા માટે કહ્યું હતું.
અભિનવ ચંદ્રચુડે કહ્યું કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આ રજૂઆતના આધારે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આ નિર્દેશ આપ્યો , ત્યારે બોમ્બે હાઈકોર્ટ તેમને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપી શકે નહીં, કારણ કે આ હાઈકોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન હશે.
આ પણ જૂઓ: રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા-નીતુએ શૅર કરી ઈમોશનલ પોસ્ટ