નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે તે નક્કી કરવામાં હજુ સમય બાકી છે, પરંતુ તે ક્યારે અને ક્યાં રમાશે તે નક્કી થઈ ગયું છે. ICC એ જાહેરાત કરી છે કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝનની અંતિમ મેચ 11 થી 15 જૂન દરમિયાન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે પણ રાખવામાં આવ્યો છે. આ પહેલીવાર હશે જ્યારે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. અગાઉ બંને ફાઈનલ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ હતી.
ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા બન્યું હતું ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ મેચમાં ભારતને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું, જ્યારે આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિમાં ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડ ખિતાબ જીત્યો હતો. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે ટાઈટલ મેચ રમાશે. હાલમાં ભારત ટોપ પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોઈ શકે છે.
આ પણ જૂઓ: ‘જવાન’ના ડાયરેક્ટર એટલીએ શાહરુખ બાદ સલમાન સાથે મિલાવ્યો હાથ, કમલ હાસનનો સાથ!
આ વખતે ભાગ લેશે 9 ટીમો
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં નવ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝના નામ સામેલ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ માટે ફાઇનલમાં પહોંચવાના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. જ્યારે અન્ય તમામ ટીમોને ફાઇનલમાં પહોંચવાની તક મળી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019 માં શરૂ કરવામાં આવી હતી, તેને શરૂ કરવા પાછળનું સૌથી મોટું કારણ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા બાદ એવું લાગી રહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં નવો પ્રાણ ફૂંકાયો છે.