ટ્રેન્ડિંગવર્લ્ડ

સ્કુલ બસે 11 લોકોને કચડ્યા, મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ; જાણો ભીષણ અકસ્માત ક્યાં અને ક્યારે થયો?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 3 સપ્ટેમ્બર :  ચીનમાં એક ભયંકર અકસ્માત થયો છે. એક સ્કૂલ બસે બાળકો અને તેમના વાલીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત 11 લોકોના અવસાન થયા છે. જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ ચીનના શાનડોંગ પ્રાંતમાં આજે સવારે શું થયું, જ્યારે સ્કૂલ બસ બાળકોને ઉતારીને પરત ફરી રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન ગુમાવી દીધું અને બસ સ્કૂલના એન્ટ્રી ગેટ પર ભીડમાં ઘૂસી ગઈ. વાલીઓ તેમના બાળકોને શાળાએ મૂકવા આવ્યા હતા, જેઓ બસ દ્વારા કચડાઈ ગયા હતા. બેકાબૂ બસની ભયાનકતા જોઈને ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. દિવાલ સાથે અથડાયા બાદ બસ ત્યાં જ ઉભી રહી હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસ અને શાળા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 11 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.

આ અકસ્માતે અમને 2017ના અકસ્માતની યાદ અપાવી દીધી.
ડોંગપિંગ કાઉન્ટી પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માત પૂર્વી ચીનના શાનડોંગ પ્રાંતના તાઈઆન શહેરમાં થયો હતો. સવારે 7.30 વાગ્યાની આસપાસ બસ શાળાના બાળકોને ઉતારીને પરત ફરી રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું. પોલીસે બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે, પરંતુ બસનું સંતુલન ગુમાવવાનું અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર અકસ્માતની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જે મુજબ ગ્રે કલરની મોટી બસ ક્ષતિગ્રસ્ત હાલતમાં ઉભી છે. નજીકના લોકો રસ્તા પર ઘાયલ થયેલા બાળકોની સંભાળ લઈ રહ્યા છે. તેમના કપડાં લોહીથી ખરડાયેલા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં શાનડોંગ પ્રાંતના પૂર્વી શહેર વેહાઈમાં એક અકસ્માત થયો હતો. એક સ્કૂલ બસ ટનલની અંદર અથડાઈ હતી અને આગની લપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર, 6 ચીની બાળકો અને 5 દક્ષિણ કોરિયાના બાળકો ભડથું થઈ ગયા હતા. હવે આ અકસ્માતે લોકોના મનમાં તે અકસ્માતની યાદો તાજી કરી દીધી છે.

આ પણ વાંચો : શિવાજી વિવાદ : વિપક્ષના જૂતા મારો અભિયાન સામે અજિત પવાર ગુસ્સે થયા, જાણો શું કહ્યું

Back to top button