અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા હરદ્વાર ગોસ્વામી, જયવંત પંડ્યાનું સન્માન
- કૉલમ લેખિકા સુચિતા ભટ્ટને પણ સન્માનિત કરાયાં
- અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, કર્ણાવતી મહાનગર એકમ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અને સાહિત્યકાર સન્માનનો કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના અહિંસા શોધ ભવન ખાતે રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજીના અધ્યક્ષસ્થાને યોજાયો
- આ કાર્યક્રમમાં સાહિત્યકારો, વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2024: “લેખકો, પત્રકારોએ રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને મજબૂત કરે એવું સર્જન કરવું જોઈએ. સર્જન એ સર્જન છે અને તેને દલિત સાહિત્ય અથવા મહિલા સાહિત્ય અથવા એવા બીજા કોઈ વિભાગોમાં વહેંચવું ન જોઈએ” તેમ અખિલ ભારત સાહિત્ય પરિષદના વડા શ્રીધર પરાડકરે સોમવારે અહીં જણાવ્યું હતું. આ પ્રસંગે સુચિતા ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, જયવંતભાઈ પંડ્યા તથા અલકેશ પટેલની પત્રકારત્વ તેમજ સાહિત્યસેવા બદલ સન્માનપત્ર, શાલ, સ્મૃતિભેટ અને પુસ્તક આપીને તેમનાં લેખનને બિરદાવવામાં આવ્યું હતું.
શહેરમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સોમવારે બીજી સપ્ટેમ્બર, 2024ના રોજ આયોજિત સાહિત્યકાર (પત્રકાર) સન્માન સમારંભ દરમિયાન અધ્યક્ષીય પ્રવચન આપતા શ્રીધર પરાડકરે કહ્યું હતું કે, સાહિત્ય સર્જન, લેખન દ્વારા સમાજને એ આપવું જોઇએ જેનાથી સંસ્કાર ઘડતર થાય. આ સંદર્ભમાં તેમણે સરસ વાત કરી કે, જે લોકો મોટી ઉંમરના છે અને જેમને થોડો ઘણો ગ્રામ્ય પરિવેશનો પરિચય છે એ સૌ કઠિયારાની અને તેની કુહાડીની વાર્તા જાણે છે. પરંતુ વર્તમાન યુગનાં બાળકોને આ વાર્તા દ્વારા બોધ આપવો હોય તો એ શક્ય છે? તેમણે જણાવ્યું કે, હાલની પેઢીનાં બાળકોએ ગામડું ભાગ્યે જ જોયું હોય છે ત્યારે કઠિયારો અને કુહાડી એટલે શું એ તેમને ખ્યાલ જ ક્યાંથી આવે? તો પછી હાલનાં બાળકોને આવી બોધવાર્તા દ્વારા તેમનું ચારિત્ર્ય ઘડતર કરવું હોય તો શું કરવું પડે? એવો સવાલ કરીને તેમણે લેખકોને વર્તમાન ઉદાહરણો, જે હાલનાં બાળકો સમજી શકે તેના દ્વારા પ્રામાણિકતાના પાઠ શીખવી શકાય.
શ્રીધર પરાડકરે તેમનાં વક્તવ્યમાં વર્તમાન સાહિત્ય રચના અને સાહિત્ય સંબંધી પુરાણ કથાના ઉદાહરણ આપીને વિસ્તૃત રીતે વાત કરી હતી. લેખન સાથે જોડાયેલા સૌને જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં પૂરક આવે તેવા સાહિત્યનું સર્જન કરવું જોઈએ. પુસ્તકો વંચાતાં નથી અથવા પુસ્તકો વેચાતાં નથી એવી લેખકો અથવા પ્રકાશકોની ફરિયાદનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે આ વાત સાચી નથી. પોતાની આ વાતના સમર્થનમાં તેમણે ગુજરાતના વર્તમાન લોકપ્રિય લેખક ધ્રુવ ભટ્ટ, આવરણના લેખક ભૈરપ્પાજી, મૃત્યુંજયના લેખક શિવાજી સાવંત, પ્રેમચંદ અને શરદબાબુનાં ઉદાહરણ આપ્યાં અને કહ્યું કે, આ લેખકો તેમના સમાજ સાથેના અનુભવોમાંથી વ્યક્તિત્વ ઘડતર અને સમાજ ઘડતર થઈ શકે તેવું સર્જન કરીને અપાર લોકપ્રિયતા પામ્યા છે.
હરદ્વાર ગોસ્વામી વર્તમાન સમયના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકાર છે. આ ઉપરાંત તેઓ વિવિધ અખબાર – સામયિકમાં વિવિધ વિષય પર કૉલમ પણ લખતા રહે છે. હરદ્વાર ગોસ્વામી સાહિત્યના કાર્યક્રમોમાં કુશળ સંચાલક તરીકે પણ ખૂબ જાણીતા છે. તો જયવંત પંડ્યા ઘણા દાયકાથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. તેમણે રાજ્યના ટોચનાં અખબારોમાં સિનિયર પોઝિશન પર સેવાઓ આપી છે. કૉલમ લેખક તરીકે ગુજરાતમાં તેઓ ઘણા જ જાણીતા છે તે ઉપરાંત વિવિધ ગુજરાતી સમાચાર ચૅનલમાં રાજકીય નિષ્ણાત તરીકે પણ લોકો તેમને ઓળખે છે. તો સુચિતા ભટ્ટ એક યુવા લેખિકા છે અને વિવિધ વિષય ઉપર લેખન કાર્ય કરતાં રહે છે. હાલ તેઓ રાજકોટથી પ્રકાશિત ફૂલછાબમાં નિયમિત લખે છે.
આ પ્રસંગે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય, ડૉ. સંજય મકવાણા, ભાનુભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. અખિલ ભારતીય સાહિત્ય પરિષદની પ્રવૃત્તિ અને કાર્યક્રમની ભૂમિકા ડૉ. વર્ષા પ્રજાપતિએ બાંધી આપી હતી. આભારવિધિ ડૉ. બળદેવ મોરીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ. ખ્યાતિ પુરોહિતે કર્યું હતું.
આ પણ વાંચોઃ શારદીય નવરાત્રીમાં આ વખતે પાલકીમાં સવાર થઈને આવશે મા દુર્ગા