નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : ભારતીય બેડમિન્ટન ખેલાડી તુલાસિમાથી મુરુગેસને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. 2 સપ્ટેમ્બર (સોમવારે)ના રોજ રમાયેલી મહિલા સિંગલ્સ ક્લાસ SU5 ફાઇનલમાં તુલાસિમાથી મુરુગેસન ચીનની યાંગ ક્વિક્સિયા સામે 17-21, 10-21થી હારી ગઈ હતી. મનીષા રામદાસે આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલના મુકાબલામાં ડેનમાર્કની રોસેનગ્રેન કેથરીનને 21-12, 21-8થી પરાજય આપ્યો હતો.
SU5 કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમના ઉપરના અંગોમાં વિકલાંગતા હોય છે. ટોચના ક્રમાંકિત તુલાસિમાથી મુરુગેસને, જે તમિલનાડુની છે, તેણે સેમિફાઇનલમાં દેશબંધુ મનીષાને 23-21, 21-17થી હરાવ્યો. જોકે, તે ફાઇનલમાં ચીનની ખેલાડી સામે સારું પ્રદર્શન કરી શકી નહોતી. બીજી તરફ મનીષાએ બ્રોન્ઝ મેડલ મેચમાં ડેનિશ ખેલાડી સામે આસાનીથી જીત મેળવી હતી.
ભારતના મેડલની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે
આ બે મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા હવે 11 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સૌ પ્રથમ, અવની લેખારાએ શુક્રવાર (30 ઓગસ્ટ) ના રોજ R2 મહિલા 10 મીટર એર રાઇફલ (SH1) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ત્યારબાદ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 30 ઓગસ્ટે શૂટર મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 211.1 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ, પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો અને નિષાદ કુમારે મેન્સ હાઈ જમ્પ (T47)માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2 સપ્ટેમ્બરે યોગેશ કથુનિયા, નિતેશ કુમાર, મનીષા રામદાસ અને તુલાસીમાથી મુરુગેસન મેડલ જીતવામાં સફળ રહ્યા છે.