બનાસકાંઠા: આવતીકાલે દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું થશે લોકાર્પણ
પાલનપુર, 02 સપ્ટેમ્બર 2024, આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી (BSTL) અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની (BSSFPC)નું ઉદ્ઘાટન કરશે. જ્યારે ખીમાણા ખાતે સ્થિત બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (BBRDL) નું ડિજિટલ ઉદ્ઘાટન પણ થશે. જે અંતર્ગત આજે યોજાયેલી પ્રેસમીટમાં પત્રકારોને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતાં જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિષે અવગત કર્યા હતા.
દેશની પ્રથમ માટીની જીવંતતા ચકસવાની લેબોરેટરી
પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથધરી હતી. ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે. જિલ્લાના પાંચ ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે. થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકસવાની લેબોરેટરી છે. જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાય છે. જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષકતત્વો કેટલાક પ્રમાણમાં છે.
માનવ શરીરમાં રોગ અને પોષકતત્વોનું પ્રમાણ ઘટ્યું
ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં બનેલી લેબમાં માટીમાં જીવંતતા કેટલી છે તે જાણી શકાશે. માટીમાં અનેક રહસ્યો છુપાયેલા છે, જેને જાણવા જરૂરી છે. આપની માટી જીવંત છે. તેના કણ-કણમાં જીવ રહેલો છે. તેની જાણકારી હોવી આજના સમયની માંગ છે. દેશની આ પ્રથમ લેબોરેટરી છે જેમાં માટીની જૈવીકતાની તપાસ થશે. જીવંત માટી દ્વારા સમૃધ્ધ ભવિષ્ય બનાવી શકાય છે. આપણે માટીમાં નવા જીવનની ખોજ કરવાની છે. આજે જે પ્રકારે માનવ શરીરમાં રોગ અને પોષકતત્વોનું પ્રમાણ ઘટ્યું છે. તેનું કારણ માટીની જીવંતતામાં ઘટાડો છે. આપણાં સારા ભવિષ્ય માટે માટી જીવંત હશે તો જ આ પૃથ્વી પર રહેલી જીવ સૃષ્ટિ જીવંત રહેશે. આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળી માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહી છે.
ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવશે તો તેનો ફાયદો ખેડૂતોને થશે
ઈશા ફાઉન્ડેશનના સોઇલ કોન્સિયસ પ્લાનેટના ચીફ ટેકનિકલ ઓફિસર પ્રવિણા શ્રીધરે જણાવ્યું હતું કે આપણી માટી જીવંત બનશે તો આપણે જે આજે ખોરાક બાદ ન્યુટ્રિશન લેવા પડે છે તેની જરૂર નહી રહે. આજે આપણે આપણાં પૂર્વજોએ આપેલી સંસ્કૃતિ ભૂલ્યા છીએ. જે સંસ્કૃતિ આપણે ફરી અપનાવવી પડશે. અમે ખેડૂતોને સમજાવી તેમની ખેતીમાં ધીરેધીરે બદલાવ લાવી રહ્યા છીએ. અમે બનાસકાંઠાની માટીને જીવંત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવશે તો તેનો ફાયદો ખેડૂતોને થશે. થરાદમાં તૈયાર થયેલી સોઇલ ટેસ્ટ લેબોરેટરીના રિપોર્ટના આધારે અમે ખેડૂતોને માટીની જીવંતતા વધારવા માટે સલાહ આપીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય થકી માટીને જીવંત બનાવવા અમે પ્રયત્નશીલ છીએ.
સોઇલ ટેસ્ટ લેબોરેટરીની વિશેષતા :-
– સોઇલ ટેસ્ટ માટેની વૈશ્વિક સ્તરની આધુનિક લેબ
– જમીનની જૈવિક પાસઓની તપાસ થશે
– માટીના સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ થશે
– ટકાઉ માટી વ્યવસ્થાપન માટે નવો માપદંડ સ્થાપિત થશે
– ખેડૂતોને સોઈલ હેલ્થ રિપોર્ટ મળશે
– ખેડૂતો પોતાની જમીનની જીવંતતા જાણી શકશે
આ પણ વાંચોઃગુજરાતને મળી વધુ એક સેમિકંડક્ટર યુનિટની ભેટ, સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને મંજૂરી