કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટ શહેર અને જિલ્લામાં પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ
હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પશુઓમાં “લમ્પી સ્કીન ડીસીઝ” જોવા મળેલ છે. આ રોગ એક પશુના બીજા પશુ સાથેના સંપર્ક દ્વારા કે પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી ફેલાતો હોય છે. આ રોગના સંક્રમણને અટકાવવા માટે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ અરુણ મહેશ બાબુ અને શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત અન્ય રાજ્યો/જિલ્લા/તાલુકાઓમાંથી એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પશુ મેળા કે પશુ સાથેની રમતો પણ નહીં યોજી શકાય
વધુમાં આ જાહેરનામામાં જણાવાયું છે કે, શહેર કે જિલ્લામાં ક્યાંય પણ પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મૃતદેહ અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા નહીં. લમ્પી સ્કીન રોગથી સંક્રમિત જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા જણાવ્યું છે.
આગામી 21 ઓગષ્ટ સુધી લાગુ રહેશે જાહેરનામું
આ ઉપરાંત જે પશુ લમ્પી સ્કીન રોગ થયો છે તેમ જણાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તે મુજબની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૨૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર દંડ તેમજ શિક્ષાને પાત્ર થશે.