ED દ્વારા દરોડા અને પૂછપરછ બાદ અમાનતુલ્લા ખાનની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
- વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને અમાનતુલ્લા ખાન પર સરકારી ગાઈડલાઈન્સની અવગણના કરીને નોકરી આપવાનો આરોપ છે
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: આમ આદમી પાર્ટીના ઓખલા વિસ્તારના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની લગભગ 4થી 5 કલાકની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે સોમવારે ધરપકડ કરવામાં આવી છે. આજે સવારે લગભગ 7 વાગ્યે EDની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી ત્યારે તેમણે 2 કલાક સુધી ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. ED બહાર ઉભી હતી. જ્યારે અમાનતુલ્લા ખાને દરવાજો ખોલ્યો ત્યારે તેની ED ટીમ સાથે બોલાચાલી થઈ હતી. અમાનતુલ્લા ખાને ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા EDના દરોડાની માહિતી આપી હતી. દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને અમાનતુલ્લા ખાન પર સરકારી ગાઈડલાઈન્સની અવગણના કરીને નોકરી આપવાનો આરોપ છે. જો કે, અમાનતુલ્લા ખાને આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. અમાનતુલ્લા ખાને X પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, મને અને AAP નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે?
#WATCH | Delhi: AAP MLA Amanatullah Khan detained by ED officials.
ED had arrived at his residence to conduct a raid, earlier today. pic.twitter.com/X07XN2Tpaa
— ANI (@ANI) September 2, 2024
AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન, દિલ્હી વક્ફ બોર્ડમાં 32 ભરતીઓ કરવામાં આવી હતી, જેના સંબંધમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે સરકારી માર્ગદર્શિકાની અવગણના કરીને કામ કર્યું હતું. જેમાંથી 5 તેના સગા અને 22 ઓખલાના રહેવાસી હોવાનું કહેવાય છે.
આરોપો રાજકીય રીતે પ્રેરિત છે: અમાનતુલ્લા ખાન
આરોપ લગાવતા AAP ધારાસભ્યએ કહ્યું, ‘તેમનો ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનો છે, આ લોકો છેલ્લા બે વર્ષથી અમને હેરાન કરી રહ્યા છે અને અમારી સામે ખોટા કેસ પણ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાં છે, સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે અને હવે તેમનો ઉદ્દેશ્ય અમારી પાર્ટીને તોડવાનો છે, તેથી તેઓ મારી ધરપકડ કરવા આવ્યા છે. કોઈએ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, હું અને મારી પાર્ટી લોકોના તમામ કામો કરાવીશું. અમે જેલમાં જવા પણ તૈયાર છીએ. અમને આશા છે કે, કોર્ટમાંથી અમને ન્યાય મળશે.
શું છે આખો મામલો, જેમાં EDએ અમાનતુલ્લાની પૂછપરછ કરી?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોવા ઉપરાંત અમાનતુલ્લા ખાન દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અમાનતુલ્લા ખાનના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી 32 ભરતી કરવામાં આવી હતી, જેના સંબંધમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે સરકારી માર્ગદર્શિકાની અવગણના કરીને કામ કર્યું હતું. આ મામલો ચર્ચિત ત્યારે બન્યો જ્યારે તત્કાલિન CEOએ કહ્યું કે, આ ગેરકાયદેસર ભરતીઓ સામે મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમાનતુલ્લા ખાને બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી.
5 સગા અને 22 ઓખલા નિવાસીઓ સહિત 32 ભરતીઓ પર હંગામો
વક્ફ બોર્ડ કેસની તપાસ કરતી વખતે, ACBએ કહ્યું હતું કે અમાનતુલ્લા ખાન દ્વારા ભરતી કરાયેલા 32 લોકોમાંથી 5 તેમના સંબંધીઓ હતા અને 22 ઓખલા વિસ્તારના લોકો હતા. અમાનતુલ્લા ખાન અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એફઆઈઆરમાં બોર્ડના નાણાંના દુરુપયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વર્ષ 2020માં મહેસૂલ વિભાગે અમાનતુલ્લા ખાનને લઈને એક પત્ર પણ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વક્ફ એક્ટ-1995ની કલમ 14(1) હેઠળ અમાનતુલ્લા ખાન વક્ફ બોર્ડના સભ્ય અને અધ્યક્ષ નથી. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં અમાનતુલ્લા ખાન વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. અમાનતુલ્લા ખાને મહેસૂલ વિભાગ તરફથી પત્ર મળ્યા બાદ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, સપ્ટેમ્બર 2018થી 20 માર્ચ 2020 સુધીની સફર સારી રહી. ગરીબો અને જરૂરિયાતમંદોને તેમનો હક્ક મળ્યો એનો આનંદ.
CBI અને EDએ ચાર્જશીટમાં શું કહ્યું?
EDની 5000 પાનાની ચાર્જશીટમાં જાવેદ, દાઉદ, કૌસર અને જીશાનનું નામ હતું. ઉપરાંત ભાગીદારી પેઢી સ્કાય પાવર પણ આરોપી હતી. EDએ જણાવ્યું હતું કે, અમાનતુલ્લાના અજાણ્યા સ્ત્રોતો પાસેથી મેળવેલી સંપત્તિથી જમીનો ખરીદી અને વેચવામાં આવી હતી. આરોપી કૌસરની ડાયરીમાં 8 કરોડ રૂપિયાની એન્ટ્રીનો પણ ઉલ્લેખ છે. EDએ વધુમાં કહ્યું કે, અમાનતુલ્લા મની લોન્ડરિંગમાં સામેલ છે. અગાઉ આ કેસમાં તપાસ એજન્સીએ ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા હતા. આ મામલે CBIએ અગાઉ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ 23 નવેમ્બર, 2016ના રોજ અમાનતુલ્લા સહિત 11 લોકો સામે એફઆઈઆર નોંધી અને 21 ઓગસ્ટ, 2022ના રોજ ચાર્જશીટ દાખલ કરી. જેમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે, બોર્ડના સીઈઓની નિમણૂક અને કોન્ટ્રાક્ટમાં ગેરરીતિઓ થઈ હતી.
અમાનતુલ્લાની 2022માં ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈની ચાર્જશીટ દાખલ થયાને લગભગ એક મહિનો વીતી ગયો હતો અને સપ્ટેમ્બર 2022માં એસીબીએ અમાનતુલ્લાની પૂછપરછ કરી હતી. આ પછી દરોડામાં 24 લાખ રૂપિયા અને હથિયારો મળી આવ્યા બાદ અમાનતુલ્લા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 28 ડિસેમ્બર 2022ના રોજ તેને જામીન મળી ગયા હતા.
આ પણ જૂઓ: સગીરા સાથે દૂષ્કર્મ કેસમાં સપા નેતા નવાબ સિંહ યાદવના DNA સેમ્પલ મેચ થયા