એલ્વિશ યાદવની મુશ્કેલીમાં વધારો: EDનું લખનઉ ઓફિસમાં પૂછપરછ માટે તેડું
- ED દ્વારા પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરના શંકાસ્પદ ઉપયોગ અને તેના નાણાકીય વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવ માટે મુશ્કેલીઓ વધી છે. EDએ ફરી એકવાર એલ્વિશને લખનઉ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ED એલ્વિશની પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરના શંકાસ્પદ ઉપયોગ અને તેના નાણાકીય વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી રહી છે. લગભગ એક મહિના પહેલા પણ એલ્વિશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
EDની એલ્વિશ યાદવ સામે તપાસ
EDએ મે મહિનામાં યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લામાં પોલીસ દ્વારા એલ્વિશ યાદવ અને સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ અને ચાર્જશીટની નોંધ લીધા પછી EDએ PMLA હેઠળ આરોપો દાખલ કર્યા હતા. EDએ આ કેસના સંબંધમાં હરિયાણાના ગાયક રાહુલ યાદવ ઉર્ફે રાહુલ ફાઝિલપુરિયાની પણ પૂછપરછ કરી હતી. એલ્વિશ યાદવ સાથે રાહુલના સંબંધો હોવાના અહેવાલ છે.
સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ
EDએ એલ્વિશ યાદવ વિરુદ્ધ માદક પદાર્થ અથવા નશાકારક પાર્ટીઓ આયોજીત કરવા માટે ગેરકાયદેસર રૂપિયાનો ઉપયોગ અને ગુનાની આવકની તપાસ કરી રહી છે. એલ્વિશ યાદવની નોઈડા પોલીસે 17 માર્ચે ધરપકડ કરી હતી. એલ્વિશ યાદવ પર આરોપ છે કે, તેણે આયોજિત પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી
નોઈડા પોલીસે એપ્રિલમાં આ કેસમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, આ આરોપોમાં સાપની દાણચોરી, ડ્રગ્સનો ઉપયોગ અને રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો સમાવેશ થાય છે.
આ પણ જૂઓ: કર્ણાટકના CM સિદ્ધારમૈયા દર મહિને સોશિયલ મીડિયા પર કેટલો ખર્ચ કરે છે? RTIમાં થયો ખુલાસો, જાણો