ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

પેરિસ પેરાલિમ્પિક્સમાં નિષાદ કુમારનો કમાલ: હાઈ જંપમાં સિલ્વર મેડલ જીત્યો

  • 24 વર્ષીય ભારતીય એથ્લિટ નિષાદ કુમારે તેનો સર્વશ્રેષ્ઠ 2.04 મીટરનો જમ્પ લગાવ્યો

પેરિસ, 02 સપ્ટેમ્બર: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે. 24 વર્ષીય ભારતીય એથ્લિટ નિષાદ કુમારે પુરુષોની હાઈ જંપ (T47)માં સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદે આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ 2.04 મીટરનો જમ્પ લગાવ્યો હતો. નિષાદ અમેરિકાના રોડરિક ટાઉનસેન્ડ પછી બીજા ક્રમે છે. ટાઉનસેન્ડે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. આ સાથે ભારતે આ પેરાલિમ્પિકમાં સાતમો મેડલ જીત્યો છે. આ સાથે જ એથ્લેટિક્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. નિષાદે ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં પણ આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટાઉનસેન્ડે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

 

11 ખેલાડીઓ વચ્ચે મેળવ્યું પ્રભુત્વ

નિષાદે આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને 11 ખેલાડીઓ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે, ટાઉનસેન્ડે 2.12 મીટરનો આંકડો પાર કરીને સિઝનનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. ઉલ્લેખનીય છે કે, નિષાદે ટોક્યોથી પોતાના મેડલને વધુ બહેતર બનાવવા માટે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. જોકે, અમેરિકન એથ્લિટ ટાઉનસેન્ડ ફરી એકવાર નિષાદ માટે અવરોધ સાબિત થયો.

ભારતના રામ પાલ સાતમા સ્થાને રહ્યા

દરમિયાન, અન્ય ભારતીય હાઇ જંપર રામ પાલે પણ સારું પ્રદર્શન કર્યું (1.95 મીટર). જો કે તે સાતમા નંબર પર રહ્યો હતો. નિષાદ પહેલા, પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સમાં તેનો બીજો મેડલ (કાંસ્ય) જીત્યો હતો, જે મહિલાઓની 200m T35 સ્પર્ધા હતી.

માતા રહી ચૂક્યા છે વોલીબોલ ખેલાડી 

ઉલ્લેખનીય છે કે, છ વર્ષની ઉંમરે નિષાદને ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેના પરિવારના ખેતરમાં ઘાસ કાપવાના મશીનથી તેનો જમણો હાથ કપાઈ ગયો હતો. આ હોવા છતાં, તેણે રમતમાં, ખાસ કરીને એથ્લેટિક્સમાં તેની પ્રતિભા સાબિત કરી. આ માટે તેની માતાએ તેને પ્રેરણા આપી, જે પોતે રાજ્ય સ્તરીય વોલીબોલ ખેલાડી અને ડિસ્કસ થ્રોઅર રહી ચૂક્યા છે. નિષાદે 2009માં પેરા-એથ્લેટિક્સમાં પ્રવેશ કર્યો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

  1. અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
  2. મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
  3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
  4. મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
  5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
  6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
  7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)

આ પણ જૂઓ: અંડર 19 ટીમમાં સિલેક્શન છતાં સમિત દ્રવિડ નહીં રમી શકે વર્લ્ડકપ, જાણો કેમ

Back to top button