હરિયાણામાં છેવટે મતદાનની તારીખ બદલાઈઃ જાણો ચૂંટણીનો નવો કાર્યક્રમ
નવી દિલ્હી, 31 ઓગસ્ટઃ ચૂંટણીપંચે છેવટે હરિયાણામાં મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક ઑક્ટોબરને બદલે પાંચ ઑક્ટોબરે યોજાશે. જ્યારે મતગણતરી આઠમી ઑક્ટોબરે થશે. આ ફેરફારને કારણે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામ જાહેર કરવાની તારીખમાં પણ ફેરફાર થયો છે. બંને રાજ્યમાં મતગણતરી આઠમી ઑક્ટોબરે થશે.
આ અંગે ચૂંટણીપંચ દ્વારા જારી નિવેદન અનુસાર હરિયાણામાં મતદાન અને મતગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેને પગલે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરી પણ પાછી ઠેલાઈ છે. અલબત્ત, જમ્મુ-કાશ્મીરમાં મતદાન તો અગાઉ નિર્ધારિત તારીખોએ જ થશે, પરંતુ હરિયાણામાં ફેરફાર થયો હોવાને કારણે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ છેક આઠ ઑક્ટોબરે જ આવશે.
પંચના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હરિયાણામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં બિશ્નોઈ સમુદાયની પરંપરાઓ તેમજ તેમના મતદાનના અધિકારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પંચે જણાવ્યું છે.
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે એક તબક્કામાં જ મતદાન થવાનું છે. અગાઉ ચૂંટણી પંચે મતદાનની તારીખ એક ઑક્ટોબર રાખી હતી અને પરિણામ ચાર ઑક્ટોબરે જાહેર થવાનાં હતાં. તે સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પણ ચાર ઑક્ટોબરે જ આવવાનાં હતાં, પરંતુ હવે હરિયાણામાં મતદાનની તારીખમાં ફેરફાર થયો હોવાને કારણે બંને રાજ્યની ચૂંટણીનાં પરિણામ આઠ ઑક્ટોબરે જાહેર થશે.
આ પણ વાંચોઃ ‘આરજી કરની ઘટના બાદ મારો ફોન નંબર બ્લોક કરી દેવામાં આવ્યો’: પત્રકાર અભિજીત મજુમદારનો આક્ષેપ