સિદ્ધુ મૂસેવાલાના પિતાની સુરક્ષામાં રોકાયેલા બે ગાર્ડ એકબીજા સાથે બાખડ્યા, માથામાં આવી ગંભીર ઈજા
ચંદીગઢ, 31 ઓગસ્ટ: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહની સુરક્ષા કરતા બે સુરક્ષા ગાર્ડ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે મુસા ગામમાં બલકૌર સિંહના ઘરે બની હતી.
અથડામણ બાદ એક સુરક્ષા ગાર્ડને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેને માણસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ સિક્યોરિટી ગાર્ડના માથામાં ટાંકા લીધા છે અને હવે તેની હાલત સ્થિર છે. બલકૌર સિંહની સુરક્ષા કરી રહેલા સુરક્ષાકર્મીઓ વચ્ચેની અથડામણ બાદ સુરક્ષાને લઈને ચિંતાઓ વધુ વધી ગઈ છે.
સિદ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં તેમના ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે લોકપ્રિય ગાયક તેની કારમાં જઈ રહ્યા હતા. પિતા બલકૌર સિંહના સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે હવે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઘટના બની ત્યારે બલકૌર ઘરે હાજર હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનાથી સુરક્ષા માટે ખતરો છે અને હવે બલકૌર સિંહની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે.
સિદ્ધુ મૂસેવાલાનું ‘અટેચ’ નામનું ગીત પણ હાલમાં જ રિલીઝ થયું છે. આ સિદ્ધુનું આઠમું ગીત છે જે તેમના મૃત્યુ પછી લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયા પર પણ હિટ થઈ ગયું છે અને થોડા જ કલાકોમાં તેને 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ પણ જૂઓ:10 મિનિટવાળા આઈડિયાનો જાદુ! આજે 3600 કરોડની નેટવર્થ, જાણો દેશના સૌથી યુવા અબજોપતિ વિશે