ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

આ કેવી ક્રિકેટ! હોંગકોંગે T20 મેચ માત્ર 10 બોલમાં જીતી લીધી, ભારતીય મૂળના બોલરે રચ્યો ઈતિહાસ

  • ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરની મેચમાં હોંગકોંગે મંગોલિયા સામે 9 વિકેટે જીત મેળવી

કુઆલાલમ્પુર (મલેશિયા), 31 ઓગસ્ટ: હોંગકોંગની ક્રિકેટ ટીમે અજાયબી કરી બતાવી છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરની મેચમાં હોંગકોંગે મંગોલિયા સામે 9 વિકેટે જીત મેળવી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, હોંગકોંગે માત્ર 10 બોલમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં હોંગકોંગને જીતવા માટે 18 રનનો ટાર્ગેટ મળ્યો હતો. હોંગકોંગે 110 બોલ બાકી રાખીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ રીતે બોલ મુજબ જોવામાં આવે તો આ ત્રીજી સૌથી મોટી જીત છે. આ મામલે સ્પેનિશ ટીમ સૌથી આગળ છે, જેણે 118 બોલ બાકી રાખીને આઈલ ઓફ મેનને હરાવ્યું હતું.

 

કુઆલાલમ્પુરના બયૂમાસ ઓવલ ખાતે આજે 31 ઓગસ્ટને શનિવારના રોજ રમાયેલી આ મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હોંગકોંગનો આ નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. મંગોલિયાની ટીમ માત્ર 14.2 ઓવરમાં 17 રનમાં સમેટાઈ ગઈ હતી. કોઈ પણ મંગોલિયન બેટ્સમેન ડબલ ફિગરમાં રન બનાવી શક્યો નહોતો. મંગોલિયા માટે મોહન વિવેકાનંદને 18 બોલમાં સૌથી વધુ 5 રન બનાવ્યા હતા. જ્યારે લુવસનજુંડુઇ એર્ડનબુલ્ગન, દાવાસુરેન જામિયાંસુરેન અને ગંડેમબેરેલ ગેંબોલ્ડે બે-બે રન બનાવ્યા હતા.

આ ભારતીય બોલરે ઈતિહાસ રચ્યો

હોંગકોંગ તરફથી એહસાન ખાને પાંચ રનમાં ચાર વિકેટ લીધી હતી. જ્યારે અનસ ખાન અને યાસીમ મુર્તઝાએ બે-બે વિકેટ લીધી હતી. જો કે, આ બધાની વચ્ચે ફાસ્ટ બોલર આયુષ શુક્લાએ કમાલ કર્યો હતો, જેણે 4 ઓવરમાં એકપણ રન આપ્યા વિના એક વિકેટ લીધી. ભારતીય મૂળના આયુષ શુક્લાએ T20 ઈન્ટરનેશનલમાં પોતાની ચારેય ઓવરમાં મેડન બોલ નાખનાર ત્રીજા બોલર બની ગયા છે. આ પહેલા માત્ર સાદ બિન ઝફર (કેનેડા) અને લોકી ફર્ગ્યુસન (ન્યુઝીલેન્ડ) જ આ કરી શક્યા હતા.

 

સાદ ઝફરે વર્ષ 2021માં કૂલિજમાં T20 વર્લ્ડ કપ અમેરિકા રિજન ક્વોલિફાયર મેચમાં પનામા સામે 4-4-0-2નો સ્પેલ ફેંક્યો હતો. લોકીએ આ સિદ્ધિ T20 વર્લ્ડ કપ 2024માં પાપુઆ ન્યૂ ગિની સામે હાંસલ કરી હતી. પાપુઆ ન્યુ ગિની સામે, લોકીએ 4-4-0-3ના જાદુઈ આંકડા સાથે મેચ સમાપ્ત કરી હતી.

મેચમાં હોંગકોંગ તરફથી જીશાન અલી 15 રને અણનમ અને કેપ્ટન નિઝાકત ખાન 1 રન પર અણનમ પરત ફર્યા હતા. જેમી એટકિન્સન (2) એકમાત્ર બેટ્સમેન આઉટ થયો હતો. એટકિન્સનનું સ્થાન ઓડ લુટબાયરે લીધું હતું. હોંગકોંગની ટીમે પણ કેટલાક પ્રસંગોએ એશિયા કપમાં ભાગ લીધો છે. આવી સ્થિતિમાં તેમના ખેલાડીઓને મોટી ટીમો સામે રમવાનો અનુભવ છે.

હોંગકોંગે આ રેકોર્ડ બનાવ્યો 

 હોંગકોંગે 110 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. T20 ઈન્ટરનેશનલમાં બોલ મુજબ જોવામાં આવે તો આ ત્રીજી સૌથી મોટી જીત છે. આ મામલે સ્પેનિશ ટીમ સૌથી આગળ છે, જેણે 118 બોલ બાકી રહેતા આઈલ ઓફ મેનને હરાવ્યું હતું. તે T20 આંતરરાષ્ટ્રીય મેચ સ્પેન અને આઈલ ઓફ મેન વચ્ચે વર્ષ 2023માં રમાઈ હતી. જાપાનની ટીમ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે આ વર્ષે મે મહિનામાં મંગોલિયા સામે 112 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.

આ પણ જૂઓ: ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાહુલ દ્રવિડના પુત્રને મળી તક

Back to top button