સાણંદ, 31 ઓગસ્ટ 2024, તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સાણંદ GIDCની અનેક કંપનીમાં ઉપરવાસના પાણીનો ભરાવો થયો છે. જેને પગલે GIDCમાં આવેલી જેટકો 66 કે.વી. સાણંદ 2 સબ સ્ટેશન ગત સોમવારથી પાણીમાં ડૂબતાં વીજ લાઇનો ક્ષતિગ્રસ્ત થવાથી 300 યુનિટમાં કામગીરી થંભી ગઇ હતી. વરસાદ બંધ થયાને 72 કલાક બાદ પણ GIDC-2ના માર્ગો પર હજુ પાણી ભરાયા છે. 170 યુનિટો હજુ બંધ છે. ટ્રાન્સપોર્ટને અસર થતાં રોજના રૂ.100 કરોડનું ટર્નઓવર ઠપ થઇ જવા પામ્યું છે.
પાણીનો નિકાલ કરવા પંપ મૂકવામાં આવ્યા
દેશ સહિત વિદેશની નામાંકિત કંપનીઓ ધરાવતી સાણંદ GIDCમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં અનેક યુનિટોને કરોડો રૂપિયાનું ટનઓવર પર અસર થઈ છે. જેટકોના 66 કે.વી. સાણંદ 2 સબ સ્ટેશનમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા પંપ મૂકવામાં આવ્યા છે. પરંતુ ઉપરવાસમાંથી પાણી સતત આવી રહ્યું છે જેના કારણે આ પાણીનો નિકાલ ક્યારે થશે તે પણ એક સમસ્યા બની છે. જેના કારણે કામે આવતા લોકો અને સ્થાનિક રહિશો મોટી હાલાકી ભોગવી રહ્યાં છે.
સબ સ્ટેશનમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલુ
બીજી તરફ બંધ યુનિટમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા UGVCLના 150 કર્મીઓ,અધિકારીઓ GIDCમાં હીરાપુર નજીક સબ સ્ટેશનમાંથી પાવર મેળવવા પાણી વચ્ચેથી હેવી વીજ વાયરની લાઇન નાખવાની કામગીરી હાથ ધરી છે. બંધ 170 યુનિટો 24 કલાક બાદ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે અધિકારી સુત્રોએ કહ્યું કે ગત 26 ઓગસ્ટથી જેટકોના 66 કે.વી. સાણંદ 2 સબ સ્ટેશનમાં પાણી ભરાઈ જતાં ક્ષતિગ્રસ્ત થયું છે. 11 કે.વી.ના 18 ફિડરો બંધ છે. સબ સ્ટેશનમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલુ છે.
100 કરોડ રોજનું ટર્ન ઓવર કરતાં આશરે 170 યુનિટો બંધ
સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અજિત શાહએ મીડિયાને કહ્યું કે ગત છ દિવસથી વીજ પાવર બંધ હોવાથી GIDC2માં દરરોજનું 100 કરોડ રોજનું ટર્ન ઓવર કરતાં આશરે 170 યુનિટો બંધ છે. પાણીનો નિકાલ શક્ય નથી, પાવર અલ્ટિમેટમ વ્યવસ્થાથી ચાલુ કરવા કોશિશ ચાલુ છે. GIDCની અંદર સ્ટ્રોમ વોટર નિકાલની વ્યવસ્થાના અભાવે પાણીનો નિકાલ શક્ય ન હોવાનું જણાવ્યુ હતું.
આ પણ વાંચોઃસરકારી તંત્રના ભ્રષ્ટાચારને કારણે અમદાવાદનો ઔદ્યોગિક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ