કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: મમતા બેનરજીના પત્રનો કેન્દ્રએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું
- કેન્દ્રએ કડક કાયદો બનાવ્યો છે, તમારી માહિતી ખોટી છે: કેન્દ્ર સરકારનો CM મમતા બેનરજીને જવાબ
નવી દિલ્હી, 31 ઓગસ્ટ: કોલકાતામાં એક મહિલા ઇન્ટર્ન ડોક્ટરની દુષ્કર્મ અને હત્યાને લઈને ભાજપ અને TMC વચ્ચે વિવાદ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો પત્ર લખ્યો હતો. આ પત્રમાં મમતા બેનરજીએ દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય અપરાધો માટે કડક કેન્દ્રીય કાયદા અને કઠોર સજાની માંગ કરી છે. મુખ્ય પ્રધાનના પત્ર લખ્યાના કલાકો પછી, કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.
બંગાળમાં દુષ્કર્મના 48,600 કેસ પેન્ડિંગ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પત્ર લખીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી) ખાસ કરીને દુષ્કર્મ અને પોક્સો એક્ટના મામલાઓ સાથે વ્યવહાર કરવા માટે બનાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 48,600 દુષ્કર્મ અને પોક્સો કેસ પેન્ડિંગ હોવા છતાં, રાજ્યએ વધારાના 11 FTSC કાર્યરત કર્યા નથી, જે રાજ્યની જરૂરિયાત મુજબ દુષ્કર્મ અને POCSO બંને કેસો સાથે કામ કરતી વિશેષ POCSO અદાલતો અથવા સંયુક્ત FTSC હોઈ શકે છે.’
માહિતી હકીકતમાં ખોટી
આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જોઈ શકાય છે કે આ સંદર્ભમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને એવું લાગે છે કે આ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી)ને કાર્યરત કરવામાં થતાં વિલંબને છુપાવવા માટે રાજ્ય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારે કડક કાયદો બનાવ્યો
કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અપરાધનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા વ્યાપક અને તદ્દન કડક છે. જો રાજ્ય સરકાર કેન્દ્રીય કાયદાઓનું બરાબર પાલન કરશે, તો તે ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવામાં ચોક્કસપણે મદદ કરશે. ગુનાઓને કડક પરિણામોનો સામનો કરવો પડશે.
મમતાએ પીએમ મોદીને બે વાર પત્ર લખ્યો
મહત્ત્વપૂર્ણ છે કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને દેશવ્યાપી આક્રોશ બાદ મમતા બેનરજીએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે પત્ર લખ્યો હતો. તેમણે દુષ્કર્મ અને હત્યાના કેસોના સમયબદ્ધ નિકાલ માટે ફરજિયાત જોગવાઈની માંગ કરી હતી.
આ પણ જૂઓ: ભારતીયો વિરુદ્ધ જાતિવાદી પોસ્ટ કરવા બદલ Barry Stantonનું X એકાઉન્ટ થયું સસ્પેન્ડ