પાલનપુરમાં ભરાયેલા વરસાદી પાણીનો ડી વોટરિંગ પંપથી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા આરોગ્ય કચેરીના સંકલનમાં રહીને સાફ સફાઈ કરી દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય, એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે
પાંચ દિવસ સતત વરસાદી માહોલ અને પવન ફુંકાવાની સ્થિતિ હવે હળવી બનતાં પાલનપુર નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાલનપુર નગરપાલિકાઓની સ્વચ્છતા અને આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે.આ ટીમ દ્વારા શહેરમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ વેટમિક્ષ અને મોરમ નાખી પૂરવામાં આવ્યા છે.
સુપર કલોરીનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી
વરસાદી પાણી ભરાયેલ હોય તે જગ્યાએ ડી વોટરિંગ પંપ ની મદદથી તથા જે.સી.બી મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સુપર કલોરીનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. શહેરના વોર્ડ નં એક થી અગિયારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત નગરમાં સ્વચ્છતા જળવાય લોકોનું આરોગ્ય સચવાય એ માટે પાલિકાની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા શક્ય તેટલી ઝડપે તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.