ડીસા પાલનપુર હાઇવે પર 10 મહિના પહેલા ઢોળાયેલા ઓઇલના કારણે હજુ વાહનો સ્લીપ થાય છે
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર 10 મહિના પહેલા ઢોળાયેલા ઓઇલની ચીકાશ હજુ પણ વરસાદી માહોલમાં રોડ પર છવાઈ જતી હોવાથી વાહનો લપસીને અકસ્માત થતો હોવાથી વાહન ચાલકોને બચાવવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બેરીકેડ મૂકવામાં આવ્યા છે.
View this post on Instagram
ઢોળાયેલા ઓઇલ ઉપર રેત નાંખવામાં આવી હતી
ડીસા પાલનપુર હાઇવે પર પાલનપુરથી ડીસા તરફ જતા ચંડીસરથી રસાણા વચ્ચે માળવાપરા નજીક નેશનલ હાઇવે પર દસેક મહિના અગાઉ એક ઓઇલનું ટેન્કર લીકેજ થતા મોટા પ્રમાણમાં ઓઇલ રસ્તા પર રેલાયું હતું. તે સમયે અનેક વાહન ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો બન્યા હતા. જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ઢોળાયેલા ઓઇલ ઉપર રેત નાંખવામાં આવી હતી. જેથી રોડ અગાઉની જેમ કોરો થઈ ગયો હતો.
50 મીટર જેટલો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો
જ્યારે વરસાદ આવે ત્યારે ફરીથી પાણીના કારણે આ ઢોળાયેલા ઓઇલ વાળા વિસ્તારમાં રસ્તો ફરીથી ચીકાશ વાળો બની જાય છે. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્પીડમાં હોવાથી જો બ્રેક મારવાની થાય તો ચોક્કસ લપસી જાય છે અને નાના મોટા અકસ્માત સર્જાય છે. તાજેતરમાં સતત પડેલા વરસાદથી ફરીથી આ રસ્તો અગાઉ ઢોળાયેલા ઓઇલના કારણે ચીકણો બનતા વાહનચાલકો લપસે નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જગ્યા પર બેરીકેડ મૂકી અંદાજે 50 મીટર જેટલો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: વરસાદ પછી ફેલાતો રોગચાળો અટકાવવા 770 ટીમોએ સર્વેલન્સ કામગીરી હાથ ધરી