ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સીક્રેટ કેમેરો! ઘણી ફૂટેજ થઈ લીક, વિદ્યાર્થિનીઓમાં રોષ

  • આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સીક્રેટ કેમેરો મળી આવતાં ખળભળાટ

હૈદરાબાદ, 30 ઑગસ્ટ: છોકરીઓના બાથરૂમમાં હિડન કેમેરો રાખવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સીક્રેટ કેમેરો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે એક વિદ્યાર્થિનીએ આ સીક્રેટ કેમેરાની નોંધ લીધી તો તેણીએ તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાં રેકોર્ડ કરવામાં આવેલી કેટલીક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં શેર પણ કરવામાં આવી છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે એક વિદ્યાર્થીની અટકાયત કરી હતી, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

 

સમગ્ર મામલો શું છે?

મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી ગુડલવાલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં સીક્રેટ કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાં જ વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગઈ અને ‘અમને ન્યાય જોઈએ’ના નારા લગાવવા લાગી. વિદ્યાર્થિનીઓએ ગોપનીયતાનો ભંગ કરનારા અને વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિરોધ થતો હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે.

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું છે કે, તેઓ આ સમગ્ર મામલાની તપાસ માટે અધિકારીઓને સહકાર આપી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી

ગુડલવાલેરુ એન્જિનિયરિંગ કોલેજમાં ગઈકાલે ગુરુવારે બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી તે સમયે કોઈ સીક્રેટ કેમેરો મળ્યો નથી. પોલીસે વિદ્યાર્થીનીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ વાંધાજનક પુરાવા મળી આવ્યા નથી.

અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપ્યું છે કે, આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તપાસ ચાલુ છે. કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ જૂઓ: મહિલાઓ માટે મફતમાં IVFટ્રીટમેન્ટ, અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પની મોટી જાહેરાત

Back to top button