ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

10 મિનિટવાળા આઈડિયાનો જાદુ! આજે 3600 કરોડની નેટવર્થ, જાણો દેશના સૌથી યુવા અબજોપતિ વિશે

  • ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય બોહરાએ કૉલેજમાંથી ડ્રોપઆઉટ લઈને પોતાના આઇડિયા પર કામ શરૂ કર્યું

નવી દિલ્હી, 30 ઓગસ્ટ: જો તમારી સામે કોઈ ધ્યેય હોય અને તેને હાંસલ કરવાનો જુસ્સો હોય તો કહેવાય છે કે કોઈપણ મુશ્કેલી આસાન બની જાય છે અને સફળતા તમારા પગ ચૂમે છે. હા, તમારા ટાર્ગેટને હાંસલ કરવામાં આઇડિયા બીજી મહત્વની ભૂમિકા ભજવે છે, જે માર્ગને સરળ બનાવે છે. આ વખતે 2024ની હુરુન રિચ લિસ્ટમાં સામેલ કૈવલ્ય બોહરાના આઈડિયાએ કંઈક આવું જ કર્યું અને આજે તે 3600 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે દેશના સૌથી યુવા અબજોપતિ છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય બોહરાએ કૉલેજમાંથી ડ્રોપઆઉટ લઈને પોતાના આઇડિયા પર કામ શરૂ કર્યું અને આજે દેશના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. ઝેપ્ટો 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરે છે.

અમીરોની યાદીમાં 300થી વધુ ભારતીયોનો સમાવેશ

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રથમ વખત ભારતના 300થી વધુ અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પહેલું નામ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનું આવે છે, જેમણે રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારતના સૌથી અમીર અબજોપતિનો તાજ જીત્યો છે. તો, ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય બોહરાએ ફરી સૌથી નાની ઉંમરના અબજોપતિનું સ્થાન મેળવ્યું છે.

સતત ત્રીજી વખત અમીરોની યાદીમાં સામેલ

ઝેપ્ટો તેના વ્યાપારનું વિસ્તરણ કરી રહ્યું છે અને બેંગલુરુ, લખનઉ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં કામ કરે છે, જેમ જેમ બિઝનેસ વધે છે તેમ તેમ તેનું બજાર મૂલ્ય પણ ઝડપથી વધી રહ્યું છે. Zepto એક ઝડપી ઈ-કોમર્સ યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, જેનું મૂલ્ય $5 બિલિયન છે. કંપનીની સફળતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, માત્ર 19 વર્ષની ઉંમરે તેના સહ-સ્થાપક કૈવલ્ય વોહરાએ IIFL વેલ્થ-હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં પ્રવેશ મેળવ્યો હતો અને સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સૌથી યુવા અબજોપતિ બનીને સામેલ થયા છે. તેમના અન્ય સહ-સ્થાપક, 22 વર્ષીય આદિત પાલીચા, બીજા સૌથી યુવા અબજોપતિ તરીકે આ યાદીમાં સામેલ થયા છે.

21 વર્ષની ઉંમર અને 3600 કરોડની નેટવર્થ

ક્વિક કોમર્સ એપ Zepto વર્ષ 2023ની પ્રથમ યુનિકોર્ન બની છે. Zepto એપ એ ભારતનું સૌથી ઝડપી ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ છે જે માત્ર મિનિટોમાં તમને ઓનલાઈન ખરીદી કર્યા બાદ કરિયાણું, ફળો, શાકભાજી, પર્સનલ કેર, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણું બધું પહોંચાડે છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ તેના સહ-સ્થાપક કૈવલ્ય માત્ર 21 વર્ષની ઉંમરે 3,600 કરોડ રૂપિયાના માલિક છે. તેમના મિત્ર સાથે આ સ્ટાર્ટઅપ શરૂ કરવાની તેમની આ કહાની ખૂબ જ રસપ્રદ છે.

કોલેજમાં સ્વપ્ન જોયું અને ડ્રોપઆઉટ લીધો 

ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરાનો જન્મ વર્ષ 2003માં બેંગલુરુમાં થયો હતો અને તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈ અને દુબઈમાંથી પૂર્ણ કર્યો હતો. આ પછી તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરવા માટે એડમિશન લીધું. જે ઉંમરે ભણ્યા પછી સારી નોકરી માટે સખત મહેનત કરવાનો ધ્યેય નક્કી થાય એ ઉંમરે કૈવલ્યના મનમાં બીજો કોઈ વિચાર ઊછળી રહ્યો હતો. આ વિચાર સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે, તેમણે એક મોટું પગલું ભર્યું અને વર્ષ 2020માં માત્ર 17 વર્ષની ઉંમરે કૉલેજ છોડવાનું નક્કી કર્યું. તેમના મિત્ર આદિત પાલીચાએ તેમને આ બિઝનેસ પ્લાનમાં સાથ આપ્યો હતો.

સફરની શરૂઆત બે મિત્રોની જુગલબંધીથી થઈ

પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અભ્યાસ છોડતા પહેલાં જ કૈવલ્યએ તેના મિત્ર આદિત સાથે મળીને 2018માં GoPool નામની વિદ્યાર્થીઓ માટે કાર-પૂલ સેવા શરૂ કરી હતી. પરંતુ અભ્યાસની સાથે સાથે ધંધો કરવો મુશ્કેલ બની રહ્યો હતો, તેથી તેમણે કોલેજ છોડી દીધી અને મુંબઈ આવી ગયા. મુંબઈ આવ્યા પછી, કૈવલ્યએ આદિત સાથે મળીને 2020માં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સ્ટાર્ટઅપ કિરાનામાર્ટ(KiranaMart) શરૂ કર્યું, પરંતુ બંને મિત્રોએ વિચાર્યું હતું તેમ તેમને પ્રતિસાદ મળ્યો નહીં અને પછી તેને બંધ કરવું પડ્યું. પરંતુ બંનેએ હાર ન માની અને નવા વિચાર સાથે નવા રસ્તા પર આગળ વધ્યા.

10 મિનિટમાં ડિલિવરી કરવાનો આઇડિયા 

ઝેપ્ટોસેકન્ડનો આઇડિયા કૈવલ્યને કૉલેજમાં ભણતો હતો ત્યારે આવ્યો હતો. ઑનલાઈન ઓર્ડર કર્યા પછી, માલની ડિલિવરી માટે બેથી ત્રણ દિવસનો સમય લાગતો હતો અને તેણે ઝડપી ડિલિવરી સ્ટાર્ટઅપ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું અને તેમાંથી ઝેપ્ટો શરૂ કરવામાં આવી. જ્યારે દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આ સ્ટાર્ટઅપ લોકોના ઘરે સામાનની ઝડપી ડિલિવરી આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ઓનલાઈન ડિલિવરીની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેનો ફાયદો ઝેપ્ટોને થયો. કિરાનામાર્ટ બંધ થયા પછી કૈવલ્ય અને આદિતે વર્ષ 2021માં આ 10 મિનિટના આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું અને પછી આખી રમત બદલી નાખી.

આ પણ જૂઓ: મૂડીઝે ભારત માટે 2024 જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2% કર્યું

Back to top button