નવી દિલ્હી, 29 ઓગસ્ટ : પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબર મહિનામાં ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની સમિટનું આયોજન કરવામાં આવશે.
એજન્સી અનુસાર, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક દેશોએ આ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે, જેના વિશે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે. જ્યારે ભારત સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનનો ભારત સાથે સીધો દ્વિપક્ષીય વેપાર નથી.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદમાં યોજાનારી આ સમિટ પહેલા મંત્રી સ્તરીય બેઠક અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ થશે. જે SCO સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. SCOમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે.
ભારતે ગયા વર્ષે વર્ચ્યુઅલ મોડમાં SCO સમિટનું આયોજન કર્યું હતું અને પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે ઑનલાઇન ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મે 2023માં ગોવામાં SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની 2-દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લીધી હતી, જે લગભગ 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનાર પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદ છે. ભારત કહે છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે.