ડીસામાં શિવકથાનો પ્રારંભ, યજમાનના ઘરેથી વિશાળ પોથીયાત્રા યોજાઈ
પાલનપુર, 29 ઓગસ્ટ 2024,ડીસાના આંગણે કથાનો પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.ડૉ. લંકેશ બાપુ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહયા છે. એક સપ્તાહ સુધી ચાલનાર શિવકથાના પ્રારંભે યજમાન પરિવારના ઘરેથી વિશાળ પોથી યાત્રા યોજાઈ હતી.
સ્વર્ગ જેવું જીવન કરવું હોય તો શિવ કથા સાંભળો
ડીસા માર્કેટ યાર્ડની સામે આવેલી ચંપા પાર્ક સોસાયટી સેમ બંગ્લોઝમાં તારીખ 29 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શિવ કથાનું આયોજન હઠુભા નાગજીભા વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ ટેટોડા ગૌશાળાના મહંત પૂ.રામરતનજી મહારાજના હસ્તે કરાયો હતો. વ્યાસપીઠ પરથી આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂજ્ય ડૉ.લંકેશ બાપુએ શિવ સ્તુતિ કરી કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, શિવની કથા સાંભળો તો 71 પેઢી તરી જાય. સ્વર્ગ જેવું જીવન કરવું હોય તો શિવ કથા સાંભળો.
જીવાત્માને સત્સંગ જ્ઞાન ભક્તિનો આનંદ મળે છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, દરેકના ઘરે અનેક દેવ હોય છે પણ જે ઘરે મહાદેવ હોય ને એ ઘરનું અજવાળું જ કાંઈક અલગ હોય છે. જ્યારે પરમાત્માની કૃપા થાય છે ત્યારે જીવાત્માને સત્સંગ જ્ઞાન ભક્તિનો આનંદ મળે છે. ગુરુ આપણને પરમાત્માનો મારગ બતાવે, સચ્ચાઈનો માર્ગ બતાવે, નીતિનિષ્ઠાનો માર્ગ બતાવે. જે મનુષ્ય જે વ્યક્તિ આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય, જે સદૈવ હંમેશા માટે તમને સચ્ચાઈનો માર્ગ બતાવે તે જ ગુરુ.
બાળ સંસ્કાર કેન્દ્ર ખોલવાના નવતર પ્રયોગ અંગે જાણકારી આપી
આ પ્રસંગે પધારેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ યજમાન હઠુભા વાઘેલાના પરિવારને આ કથા યોજવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તેઓએ દરેક વિસ્તાર ને સોસાયટીમાં બાળ સંસ્કાર કેન્દ્ર ખોલવાના નવતર પ્રયોગ અંગે જાણકારી આપી હતી.જે સોસાયટી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કર એના માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેથી આજે જે કથા કરી રહ્યા છે તેના માધ્યમથી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવા માટે વિનંતી કરી હતી. આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, યજમાન પરિવારના મહાવીરસિંહ વાઘેલા,ચિરાગસિંહ વાઘેલા, ગીતાબા વાઘેલા, મિત્તલબા વાઘેલા, કિંજલબા વાઘેલા સહિત મોટી સંખ્યા શ્રોતાઓ ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લા કલેક્ટરે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી