ગુજરાત: 50થી વધુ તાલુકામાં 3થી 14.80 ઈંચ, તેમજ ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઈંચ વરસાદ
- જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ
- એસટી બસના વધુ 837 રૂટ બંધ કરવા પડયા હતા
- ગુજરાતનાં વિવિધ સ્ટેટ હાઈવે સહિત 939 રસ્તાઓ બંધ
ગુજરાતમાં 50થી વધુ તાલુકામાં 3થી 14.80 ઈંચ, 10 તાલુકામાં 15થી 26 ઈંચ સુધીનો વરસાદ આવ્યો છે. તેમજ વરસાદના લીધે ST બસનાં 837 રૂટ અને સ્ટેટ હાઈવે સહિત 939 રસ્તાઓ બંધ થયા છે. અત્યાર સુધી 28,495 લોકોનું સ્થળાંતરણ, 1,856 લોકોનો રેસ્ક્યૂ દ્વારા બચાવ કરાયો છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા બાદ છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદ ધમરોળશે, IMDએ આપી ચેતવણી
એસટી બસના વધુ 837 રૂટ બંધ કરવા પડયા હતા
દેવભૂમિ દ્વારકાનાં ચારેય તાલુકાનો થઈ સરેરાશ 20 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 26 ઈંચ, ભાણવડમાં 18.12 ઈંચ, કલ્યાણપુરમાં 17.44 અને દ્વારકામાં 17.24 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય જામનગરમાં 18.24 ઈંચ, જામજોધપુરમાં 18.12 અને પોરબંદરમાં 17.24 ઈંચ વરસાદ થયો છે. બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી, તણાવા સહિત કુલ મોતનો આંક 28એ પહોંચી ગયો છે. ધોધમાર વરસાદી માહોલના લીધે ગુજરાતનાં વિવિધ સ્ટેટ હાઈવે સહિત 939 રસ્તાઓ બંધ હતા. જેના લીધે એસટી બસના વધુ 837 રૂટ બંધ કરવા પડયા હતા. થાંભલા પડવાથી તેમજ સબસ્ટેશનોમાં પાણી ભરાઈ જવાથી ગુજરાતનાં કુલ 771 ગામ તેમજ વડોદરામાં 1 લાખ જેટલા ઘર અને જામનગરમાં 10થી 15 ટકા વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.
જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ
વિતેલા 24 કલાકમાં ગુજરાતનાં કુલ 250 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાંથી 78 તાલુકામાં બે ઈંચથી લઈને 17.36 ઈંચ જ્યારે દિવસ દરમિયાનના 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ થયો હતો, જેમાં 21 તાલુકામાં 2 ઈંચથી લઈને 7.40 ઈંચ વરસાદ થયો હતો. આમ વીતેલા 36 કલાકમાં રાજ્યનાં 50થી વધુ તાલુકાઓમાં 3 ઈંચથી લઈને 14.80 ઈંચ જ્યારે 10 તાલુકામાં 15 ઈંચથી લઈને 26 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના લીધે રાજ્યનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 28,495 લોકોનું સ્થળાંતરણ કરાયું છે જ્યારે 1,856 લોકોનો રેસ્કયૂ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. બુધવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ રહ્યો હતો.