દ્વારકામાં વર્તુ-2 ડેમના 20 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
- ડેમના 20 દરવાજા ખોલવાના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયું
- ભાદર ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે
- જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છ
દ્વારકામાં વર્તુ-2 ડેમના 20 દરવાજા ખોલાયા છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. વર્તુ-2 ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે. જેમાં જામ રાવલ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે .તેમજ કોળીવાડ વિસ્તાર, પરમાર ફળી, બહાર પરા, રામાપીર ચોકમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સિઝનનો 33 ટકા વરસાદ ત્રણ દિવસમાં જ આવ્યો
ડેમના 20 દરવાજા ખોલવાના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયું
જામ રાવલ ગામમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા રાવલના કોળી વાડ વિસ્તાર, પરમાર ફળી, બસ સ્ટેશન વિસ્તાર, જૈન વિસ્તાર, બહાર પરા, રામાપીર ચોક, જમોડ ફળી બધા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં સ્થાનિકોની ઘરવખરી સહિતનો અન્ય સામાન પલળી ગયો હતો અને ભારે નુકસાન સહન કરવાનો વારો લોકોને આવ્યો છે. વર્તુ 2 ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલવાના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ભાદર ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે
વડોદરાના આજવા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 213.55ની જળ સપાટીએ દરવાજા બંધ કરાયા છે. વડોદરામાં ફ્લડ કંટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. પ્રતાપપુરા સરોવર, દેવ ડેમના પણ દરવાજા બંધ કરાયા છે. ત્યારે હવે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થશે, હાલ વિશ્વામિત્રી 37 ફૂટની સપાટીએ વહી રહી છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ ઓવરફલો થયો છે. સિઝનમાં સૌપ્રથમ વાર ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં 39,616 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ભાદર ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી 7917 ક્યુસેક પાણી છોડાયું છે.