

અમદાવાદ, 27 ઓગસ્ટ 2024, છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે, આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કરીને શાળા સંચાલકોને જાણ કરી છે.
રાજ્ય સરકારે પણ લોકોને અપીલ કરી
ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદી, તળાવની આસપાસ ન જાય અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરે તથા પાણીનું વહન વધુ હોય એવા વિસ્તારોમાં ન જાય. આ ઉપરાંત મહાનગરોમાં પણ ભારે વરસાદને કારણે વાહનચાલકોને જરૂરિયાત સિવાય રોડ-રસ્તા ઉપર વાહન લઈને ન નીકળે અને પાણી ભરાયું હોય એવા સ્થળ ઉપર જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસે એવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, એ સાથે જ મધ્યમ ગાજવીજ રહેશે તથા પવનની ઝડપ પણ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ગુજરાત ઉપર હજુ પણ આગામી 72 કલાક વરસાદી આફત રહેતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાતના અનેક જિલ્લાઓમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદની ટ્રેનો પર થશે અસર