કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરમાં હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યૂ કરાયુ, આખેઆખી પોલીસ ચોકી પાણીમાં તણાઈ

જામનગર, 27 ઓગસ્ટ 2024, શહેર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લાના મોટાભાગના ડેમ પહેલાથી જ ઓવરફ્લો થવાથી મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જામનગર શહેરમાં પણ નદીકાંઠા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં એક આખી પોલીસ ચોકી અને કાર પાણીમાં તણાઈ ગઈ હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોલીસે કેડસમા પાણીમાં પહોંચી લોકોને સલામત સ્થળે ખસેડ્યા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરના કારણે કાંઠા વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી પહોંચવા લાગ્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં તો આખેઆખા વાહન ડૂબી જાય એટલા પાણી ભરાયા હતા. શહેર અને જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે માર્ગ વાહનવ્યવહારને પણ અસર પડી છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે 14 રસ્તાઓ બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જોડીયાથી આમરણ-મોરબી તરફનો રોડ અને જામનગરથી ખંભાળીયા તરફનો રસ્તો બંધ થયો હતો.જામનગર સીટી એ ડિવિઝન પોલીસે કેડસમા પાણીમાં પહોંચી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ
જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી.પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું.અને જીવનું જોખમ ટાળ્યું હતું.

આ પણ વાંચોઃધિણોજ પાસે રોડ પર 10 ફૂટનો ખાડો પડતા ચાણસ્મા-મહેસાણા હાઈવે બંધ કરાયો

Back to top button