ડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત
પાલનપુર, 27 ઓગસ્ટ 2024, ડીસાના જુનાડીસા ગંગાજી વ્હોળા પાસે ભયજનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી ટુ લેન રોડ માંથી અચાનક ફોરલેન રોડ આવી જતો હોઇ રસ્તા વચ્ચેનું ડીવાઇડર ન દેખાતા કાર ડીવાઇડરને અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
વ્હોળાનો ડીપ પહોળો કરી ફોર લેન રસ્તો બનાવાયો
ડીસા પાટણ હાઈવે પર જુનાડીસા પાસે ગંગાજી વ્હોળામાં સ્ટેટ હાઇવે દ્વારા વ્હોળાનો ડીપ પહોળો કરી ફોર લેન રસ્તો બનાવાયો છે. રસ્તા વચ્ચે ડિવાઇડર મૂકવામાં આવ્યું છે. જોકે ટુ લેન રસ્તામાંથી તરત જ ફોરલેન રસ્તો આવતો હોય અચાનક ડિવાઈડર આવી જતું હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે . અગાઉ ડિવાઇડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇન બોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું ન હતું. જેમાં અનેક અકસ્માતો થયા બાદ સ્ટેટ હાઇવે દ્વારા સાઈન બોર્ડ અને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા.
રજૂઆત હોવા છતાં અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી
પરંતુ ટૂ લેન વેમાં સ્પીડથી વાહન આવતું હોય અને તુરંત જ ફોરલેન રસ્તો આવી જતા વચ્ચોવચ ડિવાઇડર આવતું હોવાથી ઘણી વખત વાહન ચાલકો સમજે તે પહેલાં જ ડિવાઇડર સાથે અથડાઈ જતા હોય છે. આ બાબતે રસ્તાની ડિઝાઇન યોગ્ય રીતે કરવા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી. અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ઝાબડિયા ગામથી ડીસા તરફ તરફ જઈ રહેલી ઇકો કારને ડિવાઈડર ન દેખાતા ડિવાઇડર પર ચઢી જતા કાર પલટી ખાઈ ગઈ હતી.જેમાં ચાલક ઇજાગ્રસ્ત થતા ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયો હતો.
આ પણ વાંચોઃબનાસકાંઠા: જિલ્લામાં વધુ વરસાદના એલર્ટ પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત