સુરત: ભારે વરસાદને લઈને કામરેજમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની બેઠક
- સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે
- આવતા 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે
- અધિકારીઓ-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના
સુરતમાં ભારે વરસાદને લઈને શિક્ષણ મંત્રીની બેઠક યોજાઇ છે જેમાં અધિકારીઓ-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના છે. ભારે વરસાદને લઈને કામરેજમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગને પણ એલર્ટ રહેવા કહેવાયું છે. આવતા 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે.
આ પણ વાંચો: નડીયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ, 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયુ
સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે
સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામરેજ ખાતે બેઠક યોજી છે. આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી છે. કારણ કે ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા આગામી 72 કલાક સુધીમાં વધુ વરસાદની શક્યતાને લઈ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે
આ સાથે જ કામરેજ તાલુકના ગામો, સુરત શહેરના પુણા, સીમાડા અને સરથાણા સહિત વિવિધ ખાડીવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા અને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ પહેલા સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તેમાં શહેરના કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની માહિતી આપી હતી. ત્યારે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર લાગશે તો તે વિસ્તારને એલર્ટ આપવામાં આવશે, અમે લોકોને એડવાન્સમાં એલર્ટ કરી રહ્યા છે.