ટ્રેન્ડિંગનેશનલ

કંગના રાણાવતને ખેડૂતોના આંદોલન પર નિવેદન બદલ ભાજપે આપી આ કડક સૂચના

નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2024: સાંસદ કંગના રાણાવતને ભાજપે બિનજરૂરી નિવેદનો કરવાથી બચવા આજે સૂચના આપી છે. કંગનાએ ગઈકાલે એક ઈન્ટર્વ્યુમાં આપેલા નિવેદન બાદ કોંગ્રેસે હોબાળો મચાવતાં ભાજપે આજે કંગનાને સૂચના આપી હોવાનું જાણવા મળે છે. કંગનાના નિવેદનને કારણે ખાસ કરીને હરિયાણા વિધાનસભામાં આવી રહેલી ચૂંટણીમાં પક્ષને નુકસાન ન થાય એ હેતુથી પક્ષે આ સૂચના આપી હોવાનું માનવામાં આવે છે.

કંગનાને ખેડૂત આંદોલન અંગે નિવેદન આપવું ભારે પડ્યું છે. ભાજપે કંગનાના નિવેદન સાથે પક્ષને કોઈ લેવાદેવા નહીં હોવાની સ્પષ્ટતા કરી છે અને કંગનાને કડક સૂચના પણ આપી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના રાણાવત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલું નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભાજપે કંગનાના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ જારી કરેલી નોટિસમાં કહ્યું છે કે પાર્ટી વતી કંગના રાણાવતને પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી કે પછી તે અધિકૃત પણ નથી. ભાજપ દ્વારા કંગનાને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા કટિબદ્ધ છે, તેમ પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

જોકે, એજન્સીના સમાચાર અને તેની સાથે જોડેલા પત્ર પરથી આ સમાચાર ફેક હોવાની શક્યતા લાગે છે. કેમ કે એજન્સીએ જે પત્ર બીડ્યો છે તેના ઉપર ભાજપના કોઈપણ પદાધિકારીની સહી નથી. ભાજપ અથવા કોઇપણ રાજકીય પક્ષ કોઈની સહી વિના આવો પત્ર જારી કરે એવું શક્ય નથી. 

unsigned letter of bjp - HDNews

શું હતું કંગનાનું નિવેદન?

કંગના રાણાવતનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલન પાછળ ઘણું મોટું દેશ વિરોધી કાવતરું હતું. તેણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે બન્યું તેવું આ ખેડૂત આંદોલન દ્વારા ભારતમાં કરવાનું ખૂબ લાંબુ આયોજન હતું. ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે થયું તે અહીં થવામાં લાંબો સમય ન લાગત.

જૂઓ વીડિયો

કંગનાના આ નિવેદનનો કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે વિરોધ કર્યો હતો. સુપ્રિયાએ કહ્યું હતું કે જો મોદી સરકારને લાગે છે કે વિદેશી શક્તિઓ આપણા દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે, તો આ અંગે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? ભાજપના નેતાઓએ ખેડૂતોને ખૂબ અપમાનિત કર્યા છે, હવે તેમના સાંસદો પણ ખેડૂતોને હત્યારા અને બળાત્કારી કહી રહ્યા છે. અમે આનો જવાબ નહીં આપીએ, હરિયાણા થોડા દિવસોમાં જ જવાબ આપશે. પરંતુ જો રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલો ઊભા થયા છે તો ભાજપ અને સરકારને જવાબ આપવો પડશે. જો એમ ન હોય તો આ સાંસદે કાન પકડીને માફી માંગવી જોઈએ.

આ પણ વાંચોઃ ‘વિભાજિત રહીશું તો કપાઈ જઈશું, એક રહીશું તો સુરક્ષિત રહીશું’, CM યોગીએ કેમ ક્યું આવું?

Back to top button