મેઘરાજાએ રાજકોટના લોકમેળાની મજા બગાડી, મેદાનમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા
રાજકોટ, 26 ઓગસ્ટ 2024 ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સાતમ- આઠમના લોકમેળાનું અનેરૂ મહત્વ છે. ત્યારે રાજકોટમાં યોજાતા લોકમેળાની આ વખતે મેઘરાજાએ મજા બગાડી છે. જન્માષ્ટમીના પર્વનું અનેરું મહત્વ સૌરાષ્ટ્રમાં સમાયેલું છે. સામાન્ય રીતે સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકમેળામાં ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે વરસાદના કારણે લોકમેળો ફીકો બની ગયો છે. લોકમેળાના મેદાનમાં એકથી બે ફૂટ જેટલા પાણી ભરાય ગયા છે.
રાજકોટમાં આ વર્ષે પહેલાથી જ લોકમેળો ચકડોળે ચડી ગયો
સાતમ અને આઠમના દિવસ દરમિયાન સવારથી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી 5 લાખથી વધુ લોકો રાજકોટના લોકમેળાની મજા માણતા હોય છે. મેળામાં દર વર્ષે બાળકોની ચિચિયારી તેમજ પરિવારજનો અને મિત્રો સાથે આંનદ અને ઉલ્લાસના દ્રશ્યો નજરે પડતા હોય છે. આ વખતે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટના લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટમાં આ વર્ષે પહેલાથી જ લોકમેળો ચકડોળે ચડી ગયો છે. યાંત્રિક રાઇડ્સ સંચાલકોને SOPનું પાલન કરાવવા બાબતે વિવાદ થયો અને રાત્રિના સમયે સંચાલકોને રાઇડ્સ કામગીરી શરૂ કરવા મૌખિક મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટોલધારકો દ્વારા મેળાને લંબાવવા માંગ કરવામાં આવી
વરસાદ શરૂ થતા મેળામાં પાણી ભરાઇ જતા મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સાત ઇંચ વરસાદમાં લોકમેળાનું મેદાન પાણી પાણી થઈ ગયું હતું અને આજે સતત બીજા દિવસે સવારથી વરસાદ વરસતા મેળામાં પાણી ભરાયેલા યથાવત્ જોવા મળ્યા હતા. પાણી ભરાતા સ્ટોલ રમકડાં, ખાણી પીણી, આઈસ્ક્રિમ સહિતના સ્ટોલ ધારકોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આગામી 28 ઓગસ્ટના રોજ લોકમેળો સમાપ્ત થઇ રહ્યો છે. તેવામાં સ્ટોલધારકો દ્વારા દિવસો વધારી મેળાને લંબાવવા માંગ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ બાબતે તંત્ર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃહળવદમાં કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર પાણીમાં તણાયું, 17માંથી 11 લોકોનો બચાવ