બેંગલુરુ, 26 ઓગસ્ટ, 2024: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ટૂંક સમયમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) શરૂ કરવામાં આવશે. હાલ જે રીતે ચૂકવણી માટે UPI પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તે રીતે હવે રિઝર્વ બેંક દ્વારા સરળ ધિરાણની સુવિધા માટે ULI પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની આ તકનીકનો હેતુ લોનની પ્રક્રિયામાં લાગતા સમયને ઘટાડવાનો છે. ઉપરાંત તેનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં નાની રકમની લોન લેનારાઓ માટે તકનીકી અવરોધોને દૂર કરવાનો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, “આરબીઆઈએ ગયા વર્ષે ઘર્ષણ રહિત ધિરાણને સક્ષમ કરવા માટે એક ટેક્નોલોજી પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય બેંક દ્વારા આ પહેલને યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (યુએલઆઈ) નામ આપવામાં આવ્યું છે અને હવે તે પ્રાયોગિક તબક્કામાં પણ છે અને સમયસર લોન્ચ કરવામાં આવશે.”
RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI@90 હેઠળ બેંગલુરુમાં ગ્લોબલ ડીપીઆઈ અને ઇમર્જિંગ ટેક કોન્ફરન્સના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આ બાબતો કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ પ્લેટફોર્મ વિવિધ રાજ્યોના લેન્ડ રેકર્ડ સહિતની માહિતીના સીમલેસ અને સંમતિ આધારિત પ્રવાહની સુવિધા આપે છે, જે ખાસ કરીને નાના અને ગ્રામીણ ઉધાર લેનારાઓને લોનના મૂલ્યાંકન માટે લાગતો સમય ઘટાડે છે.”
જૂઓ વીડિયો
ULI એ સામાન્ય અને પ્રમાણિત APIs છે, જે વિવિધ સ્ત્રોતોમાંથી માહિતીની ડિજિટલ ઍક્સેસને સુનિશ્ચિત કરવા માટે ‘પ્લગ એન્ડ પ્લે’ અભિગમ સાથે રચાયેલું છે. આ વ્યવસ્થા તકનીકી એકીકરણની જટિલતા ઘટાડે છે. ULI લાગુ થવાથી ધિરાણ લેનારાઓને દસ્તાવેજોની જરૂરિયાત વિના લોનની સીમલેસ ડિલિવરી સુનિશ્ચિત થશે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, “પાયલોટ પ્રોજેક્ટમાંથી મેળવેલા અનુભવના આધારે યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (યુએલઆઈ) નું રાષ્ટ્રવ્યાપી લૉન્ચ ટૂંક સમયમાં થશે.” RBI ગવર્નરે કહ્યું કે જેમ UPIને કારણે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ક્રાંતિ આવી છે તેવી જ રીતે ULIને કારણે ભારતમાં ધિરાણ ઇકોસિસ્ટમમાં પણ ક્રાંતિ આવશે તેવી અપેક્ષા છે.
ગ્લોબલ DPI અને ઇમર્જિંગ ટેક કોન્ફરન્સમાં ઉદ્દઘાટન સત્રને સંબોધન દરમિયાન RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, “ભારતનો અનુભવ અન્ય કેન્દ્રીય બેંકો માટે અસરકારક ડિજિટાઇઝેશન વ્યૂહરચના બનાવવામાં મદદરૂપ છે. UPI ભારતને એક દાયકામાં નાણાકીય સર્વસમાવેશ હાંસલ કરવામાં સક્ષમ બનાવશે.” જો યુપીઆઈ ન હોત તો ઘણાં વર્ષો લાગ્યા હતા.”
આ પણ વાંચોઃ ત્રિપુરામાં કાળી મંદિરમાં મૂર્તિની તોડફોડ, અનેક ઘરોમાં લગાવી આગ