કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

હળવદમાં કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર પાણીમાં તણાયું, 17માંથી 11 લોકોનો બચાવ

Text To Speech

મોરબી, 26 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના હળવદમાં ઢવાણા ગામ પાસે નદીના કોઝવે પરથી પસાર થઈ રહેલું ટ્રેક્ટર તણાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રેક્ટરમા બેઠેલા 17 લોકો પાણીમાં તણાયા હતાં. NDRF અને SDRFની ટીમોએ પાણીમાં તણાયેલા લોકોમાંથી 11 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હજી પણ કેટલાક લોકો લાપતા હોવાથી તેમની શોધખોળની કામગીરી ચાલુ છે. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.હજુ ત્રણ મહિલા, ત્રણ પુરુષ તેમજ બે બાળકો સહિત 8 વ્યક્તિઓને શોધવા કવાયત હાથ ધરાઇ છે.

કોઝવે પરથી પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારે બપોરથી લઈને રાત સુધીમાં હળવદ તાલુકામાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ હતી. નદી નાળામાં પાણીની આવક વધતાં કેટલીક જગ્યાએ દુર્ગટના થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. રાતના સમયે ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી આવી ગયું હતું. ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં પાણીમાં તણાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરમાં બેઠેલા લોકોમાંથી અમુક લોકો પાણીમાં તણાઈ ગયાં હતાં.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રેક્ટરમાં 17 જેટલા લોકો સવાર હતાં. જેમાંથી ચાર વ્યક્તિઓ તરત જ બહાર આવી ગયા હતા. કેટલાક લોકો એકબીજાના સહારે નદીના બીજા છેડે પહોંચી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવ્યા હતા.

11 જેટલા લોકોને બચાવી લેવાયા છે
જિલ્લા કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે, 11 જેટલા લોકોને બચાવી લેવાયા છે અને હજી જે લોકો લાપતા છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે. ગામના જ રહેવાસીઓ તેમજ અહીંયાં મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બનેલ છે. હળવદ તાલુકાના ધણાદ ગામ પાસે રવિવારે એક રિક્ષા તણાઈ હતી. જેમાં બેઠેલા પાંચ પૈકીના ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો. જો કે, એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. આવી જ રીતે બુટાવડા ગામ પાસે નદીમાં એક પુરુષ તણાઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી.

આ પણ વાંચોઃગુજરાત: પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક

Back to top button