અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના પરિમલ અંડરબ્રિજમાં ખાનગી બસ ફસાઈ, ફાયર બ્રિગેડે 25 મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું

અમદાવાદ, 26 ઓગસ્ટ 2024, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. શહેરમાં કેટલાક અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ હતી.ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. બીજી તરફ પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાઈ જતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા દોરડા વડે એક પછી એક પેસેન્જરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

 

અંડરપાસમાં પાણી ભરાયેલું હોવાથી બસ અધવચ્ચે ફસાઇ
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના પરિમલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેને બંધ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસ પાલડી પરિમલ અંડરપાસ પાસેથી પસાર થઈ હતી. ત્યારે ડ્રાઇવર ત્યાં હાજર સિક્યોરિટી સ્ટાફે રોકવા છતાં બસ અંડરપાસમાં લઈ ગયો હતો. અંડરપાસમાં પાણી ભરાયેલું હોવાના કારણે બસ અધવચ્ચે ફસાઇ ગઈ હતી.બસ ફસાઇ જવાના કારણે મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. વચ્ચે બસ બંધ થઈ જવાના કારણે મુસાફરો દ્વારા બૂમાબૂમ કરી હતી.ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક અંડરપાસ ખાતે પહોંચી હતી.

દોરડા વડે એક પછી એક પેસેન્જરને સહી સલામત બહાર કાઢ્યા
ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા દોરડા વડે એક પછી એક પેસેન્જરને સહી સલામત બહાર કાઢ્યા હતા.અંડરપાસમાં પાણી ભરાયેલું હોવા છતાં પણ શ્રીનાથ ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે પાણીમાં બસ ચલાવી મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા હતા. જેના પગલે બસના ડ્રાઇવર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવી તરફ જતા નીચેના ભાગે એક નાનકડો અંડરપાસ આવેલા છે. જેમાં પાણી ભરાયા હતા અને એક કારચાલક તેમાં કાર લઈને પસાર થતા બંધ પડી ગઈ હતી. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જો કે, ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ બે વ્યક્તિઓ સહી સલામત બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચોઃઅમદાવાદ: ભારે વરસાદથી શહેરમાં વૃક્ષો પડ્યા અને વિવિધ અંડરપાસ બંધ કરાયા

Back to top button