નંદ ઘેર આનંદ ભયોઃ દ્વારકા, ડાકોર, શામળાજીમાં વહાલના વધામણાં, જન્માષ્ટમીએ ભક્તોની ભીડ
- મોટા મોટા કૃષ્ણ મંદિરો જેમકે દ્વારકા, ડાકોર, શામળાજીમાં તો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. આજે શ્રાવણ વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણના 5251માં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે
26 ઓગસ્ટ, અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા ભક્તો હરખઘેલા બન્યા છે. દરેક કૃષ્મ મંદિર આજે વરસાદની વચ્ચે પણ ભક્તોની ભીડથી ઉભરાયું છે. મોટા મોટા કૃષ્ણ મંદિરો જેમકે દ્વારકા, ડાકોર, શામળાજીમાં તો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. આજે શ્રાવણ વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણના 5251માં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરોમાં પહોંચી ચૂક્યા છે. સાતમ આઠમના તહેવારોમાં એક બાજુ મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ આ બધી વાતોથી ભક્તોના ઉત્સાહમાં ઓટ આવી નથી.
ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગુજરાતના મોટા મંદિરોમાં આવી પહોંચ્યા છે. જોકે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધાનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. જગત મંદિર દ્વારકામાં યાત્રિકોની સલામતી માટે આધુનિક ટેકનોલોજી સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવાનો જબરજસ્ત થનગનાટ ભક્તોમાં જોવા મળી રહ્યો છે.
વરસતા વરસાદ વચ્ચે ભક્તોનો ઉત્સાહ અડીખમ
ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ઝરમર વરસતા વરસાદ વચ્ચે પણ ભક્તો આવી રહ્યા છે. ભક્તોનો આ પ્રવાહ આજે અને કાલે અટકવાનું નામ લેવાનો નથી. યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોની ભીડ ઉમટી છે. સવારે મંગળા આરતીમાં પણ રોજ કરતા વધુ ભક્તો જોવા મળ્યા છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં શ્રદ્ઘાળુઓની ભક્તિના પણ દર્શન થયા હતા. રાજાધિરાજના દરબારના દ્વાર જેવા ખુલ્યા તરત જ ભક્તો મંદિરમાં પ્રવેશ્યા અને કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતાનો અહેસાસ કર્યો હતો.
राजाधिराज द्वारकाधीश जी के मङ्गला आरती दर्शन 🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 26/08/2024 सोमवार #dwarka #manglaaarti#shreedwarkadhishjagadmandirdwarka pic.twitter.com/tz5541GSLx— Shree Dwarkadhish Jagad Mandir Dwarka (@DwarkaOfficial) August 26, 2024
દ્વારકાઘીશ મંદિરમાં મંગળા આરતી બાદ અભિષેક પૂજા
આજે સવારે દરરોદની જેમ છ વાગ્યે રાજાધિરાજનું મંદિર ખુલ્યું અને પહેલા તેમને દાતણ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને માખણ મિસરીનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. ત્યાબાદ મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આઠ વાગ્યે અભિષેક અને પૂજા કરાયા હતા. કૃષ્ણ નગરી ગણાતા દ્વારકામાં કાલે રાતથી જ તહેવાર જેવો માહોલ જામ્યો છે. સમગ્ર નગરી જાણે કૃષ્ણનગરી બની ગઈ છે. મંદિરના બે મુખ્ય દ્વારને સુંદર રોશનીથી શણગારાયા છે. ચારેય બાજુ આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે.
ડાકોર મંદિર શણગારાયું, શામળાજીમાં હીરાજડિત મુગટનો શણગાર
ડાકોર મંદિરના ઘુમ્મટથી માંડીને પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વાર પર આકર્ષક રોશની કરાઈ છે. અહીં પણ કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે શામળાજીમાં આજે બપોરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ભગવાનનો જન્મોત્સવ રાતે 12 વાગ્યે થશે અને મંદિરના પૂજારી દ્વારા શાલિગ્રામનું સોળ ઉપચાર વડે વૈદિક ભૂદેવો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે. આજે શામળાજીને હીરજડિત મુગટનો શણગાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આજે જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યો છે દેશ, મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી