અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતહેલ્થ

ગુજરાતમાં કોંગ્રેસે રસીકરણ સંદર્ભે જનતાને ભ્રમિત કરવાનો હીન પ્રયાસ કર્યો છેઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

  • SDG-2024 મુજબ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ 95.95 % , જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે અને ગત વર્ષનાં SDG રીપોર્ટ અનુસાર 88 % થી ખૂબ જ નોંધપાત્ર વધારો દર્શાવે છે

ગાંધીનગર, 25 ઓગસ્ટ, 2024: ગુજરાત કોંગ્રેસ દ્વારા “રોગપ્રતિરક્ષા રસીકરણમાં 90 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજયની છે તેમ જણાવીને ગુજરાત 21 ક્રમ સાથે છેવાડાનું રાજય” છે તેવો અહેવાલ હકીકતથી વિપરિત અને જુના સર્વે ડેટા આધારિત પ્રકાશિત કરીને ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં આરોગ્યપ્રધાને વિગતો આપતા કહ્યું કે, તાજેતરમાં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા વર્ષ 2024 ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તેમાં પણ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાત રાજયની ઉપલબ્ધિ 95.95 % છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને ગત વર્ષનાં SDG 88 % થી ખૂબ જ નોંધપાત્ર વધારો થયેલો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ખરેખર કોંગ્રેસની અખબારી યાદીમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5 , વર્ષ 2019-21 ના ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જૂનો સર્વે ડેટા છે. જેમાં ગુજરાત રાજયનું સંપૂર્ણ રસીકરણ કવરેજ મહદઅંશે સમગ્ર ભારત દેશનાં કવરેજ જેટલું અને મોટા રાજયોની સરખામણીએ 13 માં સ્થાને છે.

રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ડેટા સેટમાં સરખામણી મોટા રાજયોની કરવામાં આવે છે. વધુમાં, હાલમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-6 , વર્ષ 2023-24ની કામગીરી પ્રગતિમાં છે. રાજયમાં રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો ખાસ કરીને ડીપ્થેરિયા, મેટેરનલ અને નીઓનેટલ ટીટેનસમાં રાજય સરકારનાં સઘન પ્રયાસોથી ખૂબ જ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો છે. વધુમાં, સઘન માતા અને બાળ આરોગ્ય સેવાઓ અને સગર્ભા માતાઓના રસીકરણ અને સંસ્થાકિય પ્રસુતિ થી મેટરનલ અને નીયોનેટલ ટીટેનસના કેસોની નાબુદી WHO દ્વારા 2009માં પ્રમાણિત કરવામાં આવેલી હતી . તાજેતરમાં જુન 2024 માં WHO દ્વારા ફરીથી પ્રમાણિત કરવામાં આવેલું છે તે સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.

રાજ્યમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ વધારવા માટે વર્ષ 2023માં ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ 5.0 અંતર્ગત રસીકરણ બાકી રહી ગયેલા હોય કે કોઈ છુટી ગયેલા હોય તેવાં બાળકોને ઝુંબેશરૂપે આવરી લેવામાં આવ્યા છે. અને કુલ 78,458 બાળકોનું રસીકરણ કરવામાં આવેલું છે. મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવેલું છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ બાળક જીવનરક્ષક રસીથી વંચિત ન રહી જાય તેવી રાજય સરકારની નેમ છે તે જોતા દર વર્ષે શાળાઓ શરૂ થતા અને બાળવાટિકાઓમાં ડીપીટી બીજો બુસ્ટર અને TD(ટીટનસ અને ડીપ્થેરીયા) રસીકરણ અભિયાન યોજવામાં આવે છે.

સ્થળાંતરિત થયેલા અને બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરોનાં બાળકો અને સગર્ભા મહિલાઓને, શ્રમ વિભાગ સાથે સંકલન કરી તેમના દ્વારા ચલાવવામાં આવતા ધન્વંતરિ રથ દ્વારા રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટીકા (રસીકરણ) એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવી નવીન પહેલ દ્વારા ખાસ કરીને વાડી વિસ્તારો અને દૂર અંતરિયાળ જગ્યાઓએ વસેલા આદિવાસી લોકો માટે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઇમ્પેક્ટ કાયદામાં સુધારો: મુખ્યમંત્રીએ લીધો જનહિતમાં નિર્ણય

Back to top button