‘મારે તમને કોઇ પેમેન્ટ આપવાનું થતુ નથી, થાય તે કરી લો’, સુરતનાં વેપારીનું આ રીતે થઈ ગયું લાખોનું ચોપટ
સુરત, આમ તો કહી શકાય કે સુરત હિરા, એમ્ર્યોડરી,સાડી અને ખાણીપીણીની સાથે સાથે ફૂલેકુ ફેરવવા અને ઉઠમણું કરવા માટે પણ એટલું જ ફેઇમશ છે. જી હા, સુરતનાં ફલાફલા વેપારીએ આટલા લાખ-કરોડનું કરી નાખ્યું નાં સમાચારો છાશવારે સામે આવતા જ રહે છે અને ફરી આવા વેપારી આલમની ચિંતા વધારતા સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રનાં મુંબઇનાં વાલ્કેશ્વર, મલબાર હિલમાં રાજનિકેતન પાસે રહેતા સુમિત પારસચંદ હિરાવત સુરતમાં કતારગામ વસ્તાદેવડી રોડ ઉપર હીરાના એક્સપોર્ટનું કામ કરે છે. તેઓની સાથે વર્ષોથી મુંબઇમાં મુલુંડ પાસે મહાવીર બિલ્ડીંગમાં રહેતો વિક્રમ નવલચંદ શાહ હિરાની દલાલીનું કામ કરતો હતો. સને-2019માં વિક્રમે તેઓની મુલાકાત મોટા વરાછા શ્રીનિધી એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ નાનજીભાઇ કાનાણીની સાથે કરાવી હતી. વિક્રમભાઇએ સુમિતભાઇને કહ્યું કે, જગદીશભાઇ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે ડાયમંડ એસ્ટેટમાં મોટા પાયે રફ હીરાનું કામકાજ કરે છે. તમે જગદીશભાઇને હીરાનો માલ આપો, તેના પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે. વિક્રમભાઇ વેપારમાં સંકળાયેલા હોવાથી સુમિતભાઇએ રૂા.39.99 લાખની કિંમતના 743 કેરેટ રફ હીરા જગદીશને જાગંડ ઉપર આપ્યા હતા. જેમાં દર મહિને રૂા.6.66 લાખ ચૂકવી આપવાનું નક્કી થયું હતું.
બે-ત્રણ મહિના સુધી પેમેન્ટ નહીં આવતા સુમિતભાઇએ જગદીશને ફોન કર્યો હતો ત્યારે જગદીશે સુમિતભાઇને કહ્યું કે, મારે તમને કોઇ રૂપિયા આપવાના થતા નથી, તમારાથી થાય તે કરી લેજો, તમને જે પેમેન્ટ આપવાનું છે તે વિક્રમભાઇને આપી દીધું છે, આવું કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. અને ત્યારબાદ સુમિતભાઇના ફોન ઊંચકવાનું જ બંધ કરી દીધું હતું આ બનાવ અંગે વિક્રમભાઇનો સંપર્ક કરવામાં આવતા તેનો પણ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. બનાવ અંગે સુમિતભાઇએ વિક્રમ તેમજ જગદીશની વિરુદ્ધમાં કતારગામ પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.