બાંગ્લાદેશ: હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને ઢાકેશ્વરી મંદિરની કરી રક્ષા
ઢાકા, 24 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન ઢાકામાં આવેલું પ્રાચીન શ્રી ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર ધાર્મિક એકતાના પ્રતીક તરીકે ઊભું હતું. 15 વર્ષથી મંદિરમાં સેવા આપતા 53 વર્ષના પૂજારી અશિમ મૈત્રો આ વિશે વધુ માહિતી આપતા કહે છે કે, ‘5 ઓગસ્ટે જ્યારે શેખ હસીના સરકાર વિરુદ્ધ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે હિન્દુ-મુસ્લિમ અને અન્ય સમુદાયના લોકો મંદિરની સુરક્ષા માટે આગળ આવ્યા હતા. હું મારા માટે ડર અનુભવતો ન હતો. મને આ જૂના મંદિર અને અહીંના દેવી-દેવતાઓની મૂર્તિઓની સુરક્ષાની ચિંતા હતી. તે સમયે મંદિર સમિતિના સભ્યો પણ હાજર હતા અને અમે દરવાજા અને મુખ્ય દ્વાર બંધ કરી દીધા હતા.’
જ્યારે વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારે અહીં કોઈ આવવા વાળું કોઈ ન હતું. પૂજારીએ કહ્યું કે, ‘તે સમયે અહીં પોલીસ પણ તૈનાત નહોતી. રાજકીય અંધાધૂંધી વચ્ચે બધું ઠપ થઈ ગયું હતું. રાહત વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે સ્થાનિક સમુદાયના સભ્યોએ અમને મદદ કરી હતી. મુસ્લિમો, હિંદુઓ અને અન્ય લોકો મંદિરની બહાર ચોકી કરવા માટે આવ્યા હતા. આ લોકોએ ખાતરી કરી કે મંદિરને કોઈ નુકસાન ન થાય. જેના કારણે તે દિવસથી આજદિન સુધી અહીં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. દેશમાં અશાંતિની ચરમસીમા દરમિયાન પણ મંદિરની રોજીંદી વિધિ ચાલુ હતી. સાંજની આરતી અને પ્રાર્થના વિધિ ચાલુ રહી.’
મહંમદ યુનુસે ઢાકેશ્વરી મંદિરની લીધી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનતાની સાથે જ ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે દેશના હિંદુ સમુદાયને ખાતરી આપી કે તમામ લોકોને સમાન અધિકાર છે. લોકોની ધાર્મિક માન્યતાઓના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. યુનુસને જાન-માલ અને ધાર્મિક સ્થળો પર વ્યાપક હુમલાની ફરિયાદો મળી હતી. દેશના સૌથી મોટા લઘુમતી સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં, તેમણે કહ્યું કે નાગરિકોને મુસ્લિમ, હિંદુ કે બૌદ્ધ તરીકે નહીં પરંતુ મનુષ્ય તરીકે જોવા જોઈએ. તેમણે લોકોને ધીરજ રાખવા અને નવી વચગાળાની સરકારને તેની કામગીરી અંગે નિર્ણય લેતા પહેલા સમર્થન આપવા વિનંતી કરી. તેમની સાથે કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલ અને ધાર્મિક બાબતોના સલાહકાર એએફએમ ખાલિદ હુસૈન પણ હતા.
52 જિલ્લામાં 200થી વધુ હુમલાઓનો ભોગ બન્યા હિંદુઓ
હિંદુઓએ ફરિયાદ કરી હતી કે તેઓ બાંગ્લાદેશના 52 જિલ્લાઓમાં 200 થી વધુ હુમલાઓનો ભોગ બન્યા છે ત્યારથી વડા પ્રધાન હસીનાને વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના બળવામાં સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. સેંકડો હિન્દુઓ તેમના ઘરો, કાર્યસ્થળો અને મંદિરો પર હુમલામાં ઘાયલ થયા છે. આ અત્યાચારો સામે વિરોધ કરતાં, હિંદુ સમુદાયના નેતાઓએ લઘુમતીઓ સામે અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની માંગ કરી હતી. તેમણે દેશમાં લઘુમતી જૂથોને 10 ટકા સંસદીય બેઠકો ફાળવવા અને લઘુમતી સંરક્ષણ પર કાયદો ઘડવાની પણ હાકલ કરી હતી. 7 ઓગસ્ટે ચાર્જ સંભાળનાર યુનુસે અગાઉ લઘુમતી સમુદાયો પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને લઘુમતી જૂથોનું રક્ષણ કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકીને પીએમ મોદીએ શું આપ્યું આશ્વાસન?