ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી ખાતે ભાદરવી પુનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ

અંબાજી, 24 ઓગસ્ટ 2024, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે આગામી ૧૨ થી ૧૮ સેપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઇ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન, રહેવા જમવા સાથે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ભાદરવી પુનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ પટેલ સહિતના હોદેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ૠષિકેશભાઈ પટેલે શકિત અને ભક્તિનો આ આ પર્વ નિર્વિઘ્ને સુખરૂપ સંપન્ન થાય એ માટે મા જગદંબા ને પ્રાર્થના કરી હતી. તેમજ વહિવટીતંત્ર સાથે રહી શ્રદ્ધા, સુવિધા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે ઉજવાય એ માટે સૌનો સાથ સહકાર માગ્યો હતો. હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજી ના વિકાસ માટે રાજ્ય સરકારે ૧૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

લોકોની આસ્થા અને શ્રદ્ધા ને અનુરૂપ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લાખો લોકોને સુવિધાઓ પુરી પાડવાની હોય ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જય અંબે કહી સાથ સહકાર આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. વિશ્વના સૌથી મોટા મેળામાં સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી.

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સેવા સંઘોને સ્વયંમ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતાં સંઘના વાહનો સાથે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું જેને સંઘના પ્રતિનિધિઓએ આવકાર્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મેળા દરમિયાન યાત્રિકોની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બનાવેલી ત્રીસ જેટલી સમિતિઓ વિશે જણાવ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા એ સલામતી, સુરક્ષા માટે પોલીસ વિભાગની સજજતા અને કાયદો વ્યવસ્થા બાબતે માહિતી આપી પોલીસને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા મેળા ના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા, સેવા સંઘના કન્વિનર યોગેશભાઈ, જનકભાઈ , ભોગીભાઈ સહિત વિવિધ જિલ્લા અને ઝોનના સંઘોના પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃઅંબાજી ભાદરવી પૂનમના મેળાના એક્શન પ્લાન સંદર્ભે મીટિંગ યોજાઈ, કલેક્ટરે સૂચનો કર્યા

Back to top button