અમદાવાદગુજરાત

ગુજરાતની ખાનગી મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો, કોંગ્રેસે પરત ખેંચવા માંગ કરી

અમદાવાદ, 24 ઓગસ્ટ 2024, GMERS કોલેજની ફીમાં વધારા બાદ હવે FRC મેડિકલ દ્વારા રાજ્યની ખાનગી મેડિકલ કોલેજની વર્ષ 2024-25 માટેની ફી જાહેર કરવામાં આવી છે. FRCએ મેડિકલ કોલેજોને સરકારી બેઠકમાં 10 હજારથી 2.44 લાખ રૂપિયા સુધીનો વધારો આપ્યો છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકમાં 24 હજારથી 5.25 લાખ રૂપિયા, ગવર્મેન્ટ કોલેજની બેઠકમાં સી.યુ શાહ મેડિકલ કોલેજને સૌથી વધુ 2.44 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચને 5.14 લાખ રૂપિયાનો ફી વધારો કરાયો છે. ફી વધારો થતાં ગવર્મેન્ટ બેઠકમાં પારુલ યુનિવર્સિટીની સૌથી વધુ ફી 10 લાખ છે. મેનેજમેન્ટ ક્વોટામાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની સૌથી વધુ ફી 23 લાખ થઇ છે. કોંગ્રેસ દ્વારા ફી વધારાને પાછો ખેંચવા માટે માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા
રાજ્યની કુલ 19 મેડિકલ કોલેજ અને પાંચ પેરામેડિકલ કોલેજની 1200 પેરા મેડિકલ સીટ ઉપર 10થી 50% સુધીનો ફી વધારો ઝીંકી દેવાયો છે. જેને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, સરકારની સ્ક્રિપ્ટ હતી કે GMERS બાદ ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારવા મંજૂરી આપવી. જેમાં અગાઉ ખાનગી મેડિકલ કોલેજ તથા પેરા મેડિકલ કોલેજ ચલાવતા સંચાલકોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ફી વધારો મેળવ્યો હતો. જેમાં સરકારી રૂપિયાથી ચાલતી NHL, LG કોલેજોને સૌથી ફી વધારો આપવામાં આવ્યો છે. સરકાર મોંઘા તબીબો તૈયાર કરી આરોગ્ય સેવાને ખોરવવા માંગે છે. કરોડો રૂપિયામાં તૈયાર થતા તબીબો કેવી રીતે ગ્રામ્ય વિસ્તારો સરકારી સિવિલ હોસ્પિટલોમાં સેવા આપી શકે? ઘરના ચૂલા બાળીને સેવા કરવી કોને ગમશે?

GMERS કોલેજમાં સરકારે પીછે હટ કરી હતી
મનિષ દોશીએ ઉમેર્યું હતું કે હાલમાં જ રાજ્યની તમામ GMERS મેડિકલ કોલેજમાં ધરખમ ફી વધારો કરાયો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓને વાલીઓએ લડત આપી હતી અંતે તેમની લડતને કારણે સરકારને ના છૂટકે વધારો પાછો ખેંચવો પડ્યો હતો. ત્યારે ફરીથી આ પ્રકારનો ફી વધારો કરીને સરકારે વાલીઓને વિદ્યાર્થીઓને સમસ્યા અને મુશ્કેલી આપવાનું કાર્ય કર્યું છે. જેમાં સરકારની નીતિ ખુલ્લી પડી ગઈ છે. તેમની માનસિકતા ઉપર સવાલ ઊભા થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોડવવાનું કામ સરકારની મંછામાં દેખાઈ રહ્યું છે? આ અંગે તેમણે માંગ કરી હતી ભવિષ્યમાં આ મુદ્દે હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ કોંગ્રેસ પીછે હટ નહીં કરે!

આ પણ વાંચોઃગુજરાત કોર્ટ વિધેયક વિધાનસભામાં પસાર, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની સંપત્તિ થશે જપ્ત

Back to top button