બોટાદના બરવાળા તાલુકાના રોજિદ ગામે થયેલા કેમિકલ કાંડ માં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યો છે. તો બીજી તરફ સમગ્ર કેસમાં સરકાર ત્વરીત ગતિએ કામગીરી કરી રહી છે. આ સમગ્ર ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે આ કેમિકલ કાંડ ની ઘટનામાં એકપણ દોષિતને છોડવામાં આવશે નહી. પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે સરકાર ગંભીરતાથી કામગીરી કરી રહી છે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ મુદ્દે ગૃહમંત્રીએ DGPની સાથે ચર્ચા કરીને સમગ્ર કેસનું સુપરવિઝન SP કક્ષાના 2 અધિકારીઓને સોંપ્યું છે. જેમાં બરવાળા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધાયા છે. DGPના આદેશ પ્રમાણે, બરવાળા અને રાણપુર કેસનું સુપરવિઝન સ્ટેટ મોનીટરીંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલ ગુનાનું સુપરવિઝન SCRBના પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે.
હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી અને 30 ટીમો બનાવીને અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની વાત કરી. સંઘવીએ કહ્યુ આ કેસમાં જે કોઈપણ જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં, તો બીજી તરફ પોલીસ અધિકારીઓના સસ્પેન્શન મુદ્દે પણ તેમણે જણાવ્યુ હતુ કે જે વિસ્તારની જવાબદારી જે કોઈ અધિકારીઓની હતી તે લોકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દારૂની ભઠ્ઠી શોધવામાં ટેક્નોલોજીની મદદ : સુરત જિલ્લા પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી 6 ભઠ્ઠી પકડી
મિથેનાઈલ આલ્કોહોલને કંટ્રોલ કરવા પર પોલિસી બનાવવા વિચારણા
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે મિથેનાઈલ આલ્કોહોલ જે છે તેને કંટ્રોલ કઈ રીતે કરી શકાય તેની પોલિસી પર પણ સરકાર આગળ વધી રહી છે. આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે હું આપને ખાતરી અપાવુ છુ કે આ કેમિકલ કાંડમાં જોડાયેલા તમામ લોકો સામે પગલા લેવામાં આવશે. આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા ઝેરી કેમિકલ કાંડના અસરગ્રસ્તોને મળ્યા હતા અને અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આપને જણાવી દઈએ કે 100થી વધુ લોકો આ ઝેરી કેમિકલ કાંડમાં અસરગ્રસ્ત થયા હતા.