અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષસંવાદનો હેલ્લારો

એક ગુજરાતી વિદ્યાર્થીએ બેંગલુરુમાં સાત્વિક ભોજન મેળવવા કેવો સંઘર્ષ કર્યો? પરિણામ શું આવ્યું?

બેંગલુરુ, 24 ઓગસ્ટ, 2024: તમે જૈન અથવા સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હોવ અને ઘર સિવાય અન્ય અજાણી જગ્યાએ ભોજન કરવાનું હોય ત્યારે ડુંગળી, લસણ, કંદમૂળ વિનાનું ભોજન મળશે કે નહીં એ સૌથી પહેલો પ્રશ્ન થાય. અલબત્ત, બંને સંપ્રદાયના તમામ શ્રદ્ધાળુઓને આ સમસ્યા નથી નડતી કેમ કે ઘણાએ સમાધાન કરી લીધું હોય છે અથવા ચલાવી લેતા હોય છે. પરંતુ એ લોકોનું શું જે સમાધાન કરી લેવા અથવા ચલાવી લેવા તૈયાર ન હોય?

આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ગુજરાતથી અભ્યાસ માટે બેંગલુરુ ગયેલા એક વિદ્યાર્થીએ હોસ્ટેલની મેસમાં ડુંગળી-લસણ વિનાનું ભોજન મેળવવા માટે ઘણા મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો. શિવમ પદમાણી નામના આ વિદ્યાર્થીએ ડુંગળી-લસણ વિનાનું (સાત્વિક) ભોજન મેળવવા માટે ક્યાં ક્યાં, કેવી કેવી અને કેટલી રજૂઆત કરી, એટલું જ નહીં પરંતુ કેટલા મહિના આવી સ્થિતિમાં રહેવું પડ્યું એ સમગ્ર ઘટનાક્રમ પોતાની લિંક્ડઈન પ્રોફાઈલમાં લેખ સ્વરૂપે લખી છે.

શિવમનો આ સંઘર્ષ કેવો હતો? કઈ કઈ મુશ્કેલી આવી? કોણે મદદ કરી, કોણે ન કરી? છેવટે તેના પ્રયાસોમાં તેને સફળતા મળી કે નહીં? – આ તમામ પ્રશ્નોના જવાબ તેના પોતાના જ શબ્દોમાં મેળવીએઃ

“હું ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનું પાલન કરું છું, જે અમને શિક્ષાપત્રીમાં ડુંગળી અને લસણ સહિત કોઈપણ તામસી પદાર્થોના સેવનથી દૂર રહેવાની સૂચના આપે છે. જો કે, આ બે ઘટકો સામાન્ય રીતે આજે લગભગ તમામ રસોઈ પદ્ધતિઓમાં વપરાય છે. જ્યારે હું પહેલીવાર મારી ડ્રીમ કોલેજ, IISc બેંગ્લોરમાં દાખલ થયો ત્યારે મારી પ્રાથમિક ચિંતા એ હતી કે શું મને હોસ્ટેલની મેસમાં ડુંગળી અને લસણ વિનાનું ભોજન મળશે? મેં નજીકની રેસ્ટોરાંમાં પણ આ વિશે તપાસ કરી, પરંતુ ત્યાં શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓ બનતી હતી, ઉપરાંત તે મોંઘા હતા. પ્રથમ 2-3 દિવસ હું હોસ્ટેલની મેસમાંથી માત્ર બાફેલું ભોજન જ લીધું, પરંતુ મને ટૂંક સમયમાં સમજાયું કે આવું લાંબા સમય સુધી ચાલશે નહીં.

“મેસમાં કાંદા-લસણ-મુક્ત ખોરાક મેળવવા માટે રજૂઆત કરવાની શક્યતા વિશે મેં કેટલાક સાથી-વિદ્યાર્થી અને સિનિયર વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો. પણ તેમાં સર્વસંમતિ સધાઈ નહીં. ભૂતકાળમાં ઘણા સિનિયર વિદ્યાર્થીઓએ આ પરિવર્તનની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયા હતા. હું કેટલાક જૈન વિદ્યાર્થીઓને પણ મળ્યો જેમણે કહ્યું કે IIScમાં મોટાભાગના જૈન વિદ્યાર્થીઓએ ન છૂટકે ડુંગળી, લસણ અને અન્ય કંદમૂળ ખાવા પડે છે કારણ કે તેમની પાસે કોઈ શક્ય વિકલ્પ નથી. જો કે, હું જે સિદ્ધાંતોનું પાલન કરું છું તે મારામાં ઊંડે સુધી જડેલા છે, અને હું આ મૂળભૂત ધાર્મિક વિધિઓ સાથે સમાધાન કરવાની કલ્પના કરી શકતો નથી.

“મેં હોસ્ટેલ ઓફિસને ઈમેલ કર્યો, પરંતુ તેઓ નવા વિદ્યાર્થીઓના એડમિશનના ધસારાની કામગીરીમાં અત્યંત વ્યસ્ત હતા તેથી મારા કોઈપણ ઈમેલનો જવાબ આપ્યો નહીં. છેવટે પાંચેક દિવસ પછી મેં મારી નવી શૈક્ષણિક સંસ્થાની દરેક મેસના દરવાજે મારા નામ સાથે એક નોટિસ પોસ્ટ કરી, જેમાં સમાન સાત્વિક આહાર લેવા માગતા અન્ય લોકોને ભેગા કરવાની ગણતરી હતી. મને ત્રણ દિવસમાં 30 ઇમેઇલ્સ પ્રાપ્ત થયા, જે સંખ્યા કુલ 4,000 થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપતી સિસ્ટમ બદલવા માટે પૂરતી ન હતી.

શાકાહારી - HDNews

“ઘણા લોકોએ મારા પ્રયત્નોની પ્રશંસા કરી અને મને ટેકો આપ્યો, તો અન્ય લોકોએ મારી મજાક ઉડાવી અને વિરોધ કર્યો. એક “સેક્યુલર” શૈક્ષણિક સંસ્થામાં મને સિનિયરો તેમજ મેસ કમિટીએ સલાહ આપી હતી કે કોઈ પણ સત્તાવાળા સમક્ષ ધર્મનો ઉલ્લેખ કરવાનું ટાળો. તેથી મેં વ્યૂહરચના બદલીને આરોગ્ય અને એલર્જીના નામે મારી ચિંતા વ્યક્ત કરી, પરંતુ તેમ છતાં વિદ્યાર્થી સમિતિથી લઈને હોસ્ટેલ ઑફિસ સુધી દરેકે મારી અપીલની અવગણના કરી.

“આ પડકારજનક સમય દરમિયાન મને બેંગલુરુના મંદિરમાં થોડી રાહત મળી. પ્રમુખ સ્વામી મહારાજે 2003માં તેની સ્થાપના કરી હતી. દર વિકએન્ડમાં હું યોગ્ય ભોજન માટે મંદિરની મુલાકાત લેતો હતો અને અઠવાડિયાના ચાલુ દિવસોમાં મેસના બાફેલા ખોરાકથી ચલાવી લેતો. 2-3 મહિના પછી મંદિર તરફથી મારા માટે મફત ટિફિનની વ્યવસ્થા થઈ જેથી હું દિવસમાં ઓછામાં ઓછું એક વખત પૂર્ણ ભોજન લઈ શકું. અલબત્ત તેનો ડિલિવરી ચાર્જ ઘણો વધારે હતો.

“આ દરમિયાન, જાન્યુઆરી 2024માં સદગુરુ સંત પૂ. કોઠારી સ્વામીએ બેંગ્લોરની મુલાકાત લીધી હતી અને તેમના રોકાણ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથેની અંગત મુલાકાતમાં મેં અમારા કેમ્પસમાં ડુંગળી-લસણ-મુક્ત ખોરાક મેળવવા માટે તેમના આશીર્વાદની વિનંતી કરી. તેમણે સાવ સરળ રીતે કહ્યું, “થઈ જશે”. મને આનંદ થયો પરંતુ સાથે આશ્ચર્ય પણ થયું કે શું તે ખરેખર શક્ય હતું?

“આ બધી સ્થિતિમાં મેસ કમિટી સાથે મારી મિટિંગો અને વિનંતીઓ ચાલુ રહી. નવા ચૂંટાયેલા મેસ પ્રમુખે પણ આ મુદ્દો IISc ના ડીન સાથે ઉઠાવવાનું વચન આપ્યું હતું. મારા આશ્ચર્યની વચ્ચે કોઠારી સ્વામીના આશીર્વાદ મેળવ્યાના છ દિવસ પછી મને વિદ્યાર્થી મંડળના પ્રમુખ તરફથી સંદેશો મળ્યો કે ડીને મારી વિનંતી મંજૂર કરી છે, પરંતુ એ માટે મારે 70 કરતાં લોકોને એકઠા કરવાની જરૂર છે જેમને સાત્વિક ખોરાકની જરૂર હોય. હું ખુશ પણ હતો અને નિરાશ પણ હતો કેમ કે મેં જુલાઈમાં QR કોડ દ્વારા મારું ફોર્મ સરક્યુલેટ કર્યું ત્યારે મને 3-4 દિવસ પછી માત્ર 30 જવાબો મળ્યા હતા. તેથી મને લાગ્યું કે 70 કરતાં વધુની સંખ્યા કેવી રીતે થશે?

“મેં સત્તાવાળાઓને આ અંગે અધિકૃત સામૂહિક ઈમેઈલ મોકલવા વિનંતી કરી હતી, પરંતુ તેઓએ વિનંતી નકારી કાઢી હતી. તેમણે એવો ડર વ્યક્ત કર્યો હતો કે એમ કરવાથી આહાર વિશે બીજી અલગ પસંદગીઓ ધરાવતા લોકો પણ તેમની માંગ કરવા પ્રેરાશે, (જે સ્થિતિ વધારે ચિંતાજનક બની શકે). તેથી મેં એ સમયે લોકોનો સંપર્ક કરવાનું ટાળ્યું. મારા ભગવાન અને ગુરુમાં દ્રઢ વિશ્વાસ સાથે, જેમણે મને ક્યારેય હાર ન માનવાનું શીખવ્યું, મેં બધા જ વ્હોટ્સએપ ગ્રુપ અને વ્યક્તિગત સંપર્કોમાં ફરી મેસેજ મોકલ્યા. મારા આશ્ચર્ય વચ્ચે મને 24 કલાકની અંદર 50 પ્રતિસાદ મળ્યા, અને ત્રણ દિવસમાં સંખ્યા વધીને 71 થઈ. 7-8 મહિનાની મથામણ પછી આખરે કંઈક સકારાત્મક બન્યું. મેં તમામ ડેટા મેસના સંચાલકને મોકલ્યા હતા, પરંતુ એક પણ મેસ તરફથી એ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. હકીકતે સરકારી સંસ્થાઓની કામગીરીમાં ફેરફાર કરવો ખરેખર મુશ્કેલ હોય છે.

આખરે એ દિવસ આવે છેઃ

“ફેબ્રુઆરીના અંતમાં થોડા સિનિયર વિદ્યાર્થીઓએ સૂચવ્યું કે મારે વેલનેસ સેન્ટરનો સંપર્ક કરવો જોઇએ કારણ કે આ મુદ્દો મૂળભૂત જરૂરિયાત-ભોજન સાથે સંબંધિત હતો. પર્યાપ્ત કારણો અને દલીલો સાથે સજ્જ થઈને મેં આ લાંબા સંઘર્ષની વિગતો આપતો એક ગ્રુપ ઈમેઈલ લખ્યો અને તેને વેલનેસ સેન્ટર અને તમામ સંબંધિત સત્તાવાળાઓને, હોસ્ટેલ ઓફિસથી લઈને ડીન અને ડિરેક્ટરને મોકલ્યો.

“બીજા દિવસે સવારે મને મેસના ઉપરીનો ફોન આવ્યો. તેમણે મને તાત્કાલિક હોસ્ટેલ ઓફિસ પર આવવા કહ્યું. હું પહોંચ્યો ત્યારે તેમણે મને જાણ કરી કે ઉચ્ચ અધિકારીઓએ મેસને 1લી માર્ચથી મારી પસંદગીઓ અનુસાર ભોજન આપવાનું શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જોકે એ માટે શરત એ હતી કે મારે દક્ષિણ ભારતીય મેસમાં જવું પડશે. હું એ શરત સ્વીકારવા સંમત થયો. જો કે, 12-13 દિવસ સુધી તો કંઈ બદલાયું નહીં. હું ફરીયાદ કરવા હોસ્ટેલ ઓફિસમાં ગયો. તેઓએ સેક્રેટરીને મેસ ચાર્જ અને ફૂડ કેપેસિટી સંબંધિત કેટલાક મુદ્દા પર ચર્ચા કરવા બોલાવ્યા. હું તેમની શરતો સાથે સંમત થયો અને બીજા જ દિવસે મને ડુંગળી અને લસણ વિના સંપૂર્ણ ભોજન મળ્યું. ભારતીય વિજ્ઞાન સંસ્થાનના 114 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની મેસમાં સાત્વિક ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું.

શિવમે ચાર દિવસ પહેલાં એટલે 20 ઓગસ્ટે તેની લિંક્ડઈન પ્રોફાઈલ પર આ લેખ પ્રકાશિત કર્યો હતો (https://www.linkedin.com/pulse/onion-garlic-free-food-indian-institute-science-story-shivam-padmani-arauf/)

આ પણ વાંચોઃ શું તમે ભગતસિંહના સાથીદાર રાજગુરુનું આખું નામ જાણો છો? કોણ હતા એ ક્રાંતિવીર?

Back to top button