ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જર્મનીના સોલિંગનમાં તહેવાર દરમિયાન છરી વડે હુમલો, ત્રણના મૃત્યુ-ચાર ઘાયલ

  • હુમલાખોર ફરાર, પોલીસે તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું 

સોલિંગન, 24 ઓગસ્ટ: પશ્ચિમ જર્મનીના સોલિંગનમાં એક તહેવાર દરમિયાન છરી વડે હુમલાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, તહેવાર દરમિયાન એક વ્યક્તિએ અચાનક લોકો પર ચાકુ વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. યુરો ન્યૂઝ અનુસાર, આ હુમલો ફ્રોનહોફ નામના સેન્ટ્રલ સ્ક્વેર પર થયો હતો. હુમલાખોર ફરાર છે અને પોલીસે તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

 

ફ્રોનહોફ સેન્ટ્રલ સ્ક્વેર ખાતે બની ઘટના

ઉત્સવમાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને માહિતી આપી હતી કે, સેન્ટ્રલ સ્ક્વેર, ફ્રોનહોફ ખાતે એક અજાણ્યા વ્યક્તિએ ઘણા લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં હુમલાખોર નાસી ગયો હતો. CNNએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, સપ્તાહના અંતે શહેરમાં “વિવિધતાના ઉત્સવ” દરમિયાન છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ ફરાર હુમલાખોરને શોધવામાં વ્યસ્ત

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ અને વિસ્તારને ખાલી કરાવ્યો. હુમલાખોરની શોધ ચાલુ છે. પોલીસ આસપાસના CCTVફૂટેજ પણ સ્કેન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોલિંગન શહેરની વસ્તી 1.5 લાખથી વધુ છે અને આ શહેર જર્મનીના બે મોટા શહેર કોલોન અને ડસેલડોર્ફની નજીક આવેલું છે.

જર્મન સમાચાર એજન્સી DPAના અહેવાલમાં અનામી પોલીસ સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, હથિયાર એક છરી હોવાનું માનવામાં આવે છે અને આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. શહેરના મેયર ટિમ કુર્ઝબેકે સોલિંગનના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, “આજે સાંજે, સોલિંગનમાં આપણે બધા આઘાત, ભય અને ભારે ઉદાસીનો અનુભવ કરી રહ્યા છીએ. આપણે બધા આપણાં શહેરની વર્ષગાંઠ સાથે મળીને ઉજવવા માંગતા હતા અને હવે આપણે મૃતકો અને ઘાયલો માટે શોક કરવાનો છે.”

મેયરે બચાવ અને સુરક્ષા કર્મચારીઓનો તેમની મદદ માટે આભાર માન્યો અને હોસ્પિટલમાં જીવન માટે લડતા પીડિતો માટે પ્રાર્થના કરી. ફેસ્ટિવલની વેબસાઈટ અનુસાર, ત્રણ દિવસીય “વિવિધતાનો ઉત્સવ” શુક્રવારથી શરૂ થયો હતો અને તેમાં સંગીત, ભોજન, પ્રદર્શન અને કુટુંબ-મૈત્રીપૂર્ણ મનોરંજનનો સમાવેશ થવાનો હતો.

આ પણ જૂઓ: એર ઈન્ડિયાને DGCAએ ફટકાર્યો રૂ.99 લાખનો દંડ, જાણો કેમ ?

Back to top button