AM/NS ઇન્ડિયાએ ત્રણ અભ્યાસક્રમ શરૂ કરવા માટે સ્કિલ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી
હજીરા : આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ (AM/NS ઇન્ડિયા) ત્રણ સંકલિત અભ્યાસક્રમો ચલાવવા માટે ગુજરાત સરકારની પહેલ કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. હજીરા સ્થિત AM/NS ઇન્ડિયાની એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી સાથેની ભાગીદારી દ્વારા બીએસસી સ્ટીલ ટેકનોલોજી, બીએસસી રિન્યુએબલ એનર્જી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્ટીલ ટેકનોલોજીના અભ્યાસક્રમ ઉપલબ્ધ બનાવશે.
હજીરા ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં શનિવારે આ ત્રણ અભ્યાસક્રમો લોન્ચ કરાયા હતા.આ પ્રસંગે ચોર્યાસી બેઠકના ધારાસભ્ય ઝંખના પટેલ પ્રત્યક્ષ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડો.અંજુ શર્મા વિડીયો કોલથી ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે , રાજ્ય સરકારની કૌશલ્ય સ્કીલ યુનવિર્સિટી સાથેનું એએમએનએસ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા જોડાણ અને તે થકી બી.એસસી સ્ટીલ ટેકનોલોજી, બી.એસસી રિન્યુએબલ એનર્જી અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાં ઈન સ્ટીલ ટેકનોલોજીના અભ્યાસક્રમ પૂરો પાડવા તૈયારી બતાવવામાં આવી છે. ત્યારે સ્કીલ ડેવલોપમેન્ટ માટે જે સતત ચિંતા થતી હોઈ છે, તે દૂર થાય તે માટે અમારા ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર દ્વારા પૂરતો સાથ-સહકાર અને માર્ગદર્શન મળી રહેશે, તેવી હું ખાતરી આપું છું. આદરણીય વડાપ્રધાનના વિઝનથી આ અવસરે હું સૌને અવગત કરીશ. સ્કીલ + ઝીલ = વીલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને આપણે ચરિત્રાર્થ કરીએ અને સ્કીલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે નવા આયામો અને નવી પરિકલ્પનાઓ છે, તેને વાસ્તવમાં અમલમાં મુકીને ગુજરાતના સ્કીલ ડેવલોપમેન્ટ ક્ષેત્રમાં થનારી કામગીરીઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ક્ષેત્રે દિપાવ્યે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.
જ્યારે આ પ્રસંગે રાજ્ય સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, હજીરાની ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રિ આસપાસના ગામડાઓના વિકાસ માટે કામ કરી રહી છે, કોરોનાકાળની અંદર પણ અહીંની બધી ઈન્ડસ્ટ્રિએ પણ એકમાત્ર સુરત જિલ્લામાં જ નહીં પણ રાજ્ય અને દેશમાં પણ સૌને પડખે આવી છે. ઈન્ડસ્ટ્રિઝ આવવાથી લોકલ વિદ્યાર્થીઓ જે પૂરતો અભ્યાસ કરીને રોજગારી મેળવવા પ્રયત્ન કરતાં હોઈ છે તેમને પણ કંપનીઓ તક પૂરી પાડતી હોઈ છે. એએમએનએસ ઈન્ડિયાને હું અભિનંદન આપું છું કે તેમણે સ્કીલ ડેવલોપમેન્ટ માટે શરૂઆત કરી છે. તે શરૂઆતથી ગુજરાતના યુવાનો અને ખાસ કરીને સુરત જિલ્લા-હજીરાના યુવાનોની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થાય અને તેઓ સારી રીતે કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા પાઠવું છે.
AM/NS ઇન્ડિયાના એચઆર ઓપરેશન્સ અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ ડો.અનિલ મટૂએ જણાવ્યું હતું કે, કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીની ભાગીદારીમાં સ્ટીલ ઉદ્યોગ અને રિન્યુએબલ એનર્જીના સમર્પિત ડિગ્રી અભ્યાસક્રમો શરૂ કરવાથી આપણે કૌશલ્ય વિકાસ અકાદમીમાં વર્ગખંડ શિક્ષણ અને પ્રેક્ટિકલ તાલીમના મિશ્રણ સાથે યુવાન ઉમેદવારોને સંપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ બનીશું.
સ્ટીલ અને પુનઃપ્રાપ્ય ઊર્જા કે જે બંને ક્ષેત્રોમાં અમે મોટાપાયે રોકાણ કરી રહ્યાં છીએ તેના માટે કુશળ કાર્યદળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર છે. અભ્યાસક્રમો શરૂ કરવાથી અમે સ્થાનિક સમુદાયોના વધુ યુવાનોને તાલીમ આપી શકીશું. અમે સ્કિલ ઇન્ડિયાના મિશનમાં વધુ યોગદાન આપવા માટે યુનિવર્સિટી સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા આતુર છીએ.
એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ, જે મુખ્યત્વે ડિપ્લોમા ઇજનેરોની તાલીમ, વિકાસ અને અપ-સ્કિલિંગ ક્ષેત્રે સંકળાયેલી છે, તે દર વર્ષે 3૦૦થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપશે. તે ઉમેદવારોને તમામ થીયોરિટિકલ અને પ્રેક્ટિકલ તાલીમ સુવિધાઓ પૂરી પાડશે, તાલીમ આપવા માટે અનુભવી ફેકલ્ટીની નિમણૂક કરશે, સંસ્થાની કામગીરી માટે જરૂરી સંસાધનો પૂરા પાડશે, નોકરીની તાલીમ માટે વ્યવસ્થા કરશે અને ઉમેદવારોને રોજગારી ઉપલબ્ધ બનાવવામાં પણ સહાય પૂરી પાડશે.