ગુજરાત: તમાકુ-પાન-મસાલામાં નિર્ધારિત પ્રક્રિયા ફોલો નહીં થાય તો હવે દંડ થશે
- નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાત જીએસટી સુધારા વિધેયક-2024 પસાર કરાવ્યો
- ચાલુ વર્ષમાં રાજ્યએ જીએસટી ગ્રોસ કલેક્શન માટે જે રૂ.72,506 કરોડનો લક્ષ્યાંક
- જીએસટીનો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં કુલ 5,08,863 કરદાતા હતા
ગુજરાતમાં તમાકુ-પાન-મસાલામાં નિર્ધારિત પ્રક્રિયા ફોલો નહીં થાય તો હવે દંડ થશે. તેમજ નાણામંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં 4 માસમાં જીએસટી ગ્રોસ આવક લક્ષ્યાંકના 33% છે. ચાલુ વર્ષમાં રાજ્યએ જીએસટી ગ્રોસ કલેક્શન માટે જે રૂ.72,506 કરોડનો લક્ષ્યાંક છે. જીએસટીનો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં કુલ 5,08,863 કરદાતા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ
એપ્રિલથી જુલાઈ સુધીના માત્ર ચાર જ મહિનામાં રૂ.23,707 કરોડની ગ્રોસ આવક
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુરુવારે વિધાનસભામાં ગુજરાત જીએસટી સુધારા વિધેયક-2024 પસાર કરાવતી વખતે જણાવ્યું કે, 2024-25ના વર્ષમાં રાજ્યએ જીએસટી ગ્રોસ કલેક્શન માટે જે રૂ. 72,506 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે, તેની સામે એપ્રિલથી જુલાઈ સુધીના માત્ર ચાર જ મહિનામાં રૂ. 23,707 કરોડની ગ્રોસ આવક મેળવાઈ છે, જે લક્ષ્યાંક સામે 33 ટકા રકમ છે. વર્ષ 2022-23માં રૂ.56,236 કરોડની જીએસટીની આવક સામે 2023-24માં 14 ટકા વધારે એટલે કે રૂ.64,132 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. એમણે કહ્યું કે, 2017ના જીએસટીનો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં કુલ 5,08,863 કરદાતા હતા, તે 31મી જુલાઈ, 2024ની સ્થિતિએ વધીને 12,01,270 થયા છે, જે 135 ટકાનો વધારો દર્શાવે છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટની વહેંચણી આઇએસડી મિકેનિઝમથી કરાશે
કેન્દ્રએ કાયદો સુધાર્યા પછી તેની સાથે સુસંગત રહીને ગુજરાત દ્વારા આ સુધારા લાગુ કરવા માટે પ્રસ્તુત સુધારા વિધેયક લવાયું હોવાનું ઉલ્લેખી નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, આ સુધારા વિધેયકથી એક જ પાન નંબરના આધારે એકથી વધારે નોંધણી નંબર ધરાવતી વ્યક્તિઓ દ્વારા મેળવાતી ઇનપુટ સર્વિસીસ હેઠળની ઇનપુટ ટેક્સ ક્રેડિટની વહેંચણી આઇએસડી મિકેનિઝમથી કરાશે, તદુપરાંત તમાકુ-પાન-મસાલા જેવી કેટલીક ચીજોમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસરવામાં નહીં આવે તો હવેથી દંડ વસૂલ કરાશે.